ચંદીગઢ-

પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ તરત જ ચરણજીત સિંહ એક્શન મોડમાં આવી ગયા છે. ચન્નીએ પોતાની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્ર સરકાર પાસે ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગ કરી છે. ચન્નીએ જણાવ્યું છે કે તેમને હાઇકમાન્ડ તરફથી 18 મુદ્દાઓની યાદી મળી છે, જે તેઓ તેમના બાકીના કાર્યકાળ દરમિયાન પૂર્ણ કરશે. મુખ્યમંત્રી બનતાની સાથે જ ચન્નીએ રાજ્યના ખેડૂતોના બાકી પાણી અને વીજળીના બિલ માફ કરવાની મોટી જાહેરાત કરી. પત્રકાર પરિષદમાં ચન્ની સાથે હરીશ રાવત અને નવજોત સિંહ સિદ્ધુ પણ હાજર હતા. 


ચન્નીએ ખેડૂતો સાથે પોતાની વાત શરૂ કરી અને કહ્યું કે તેમની સરકાર ગરીબોની સરકાર છે અને તે ખેડૂતો સાથે છે. ચન્નીએ કહ્યું હતું કે જો ખેડૂત ડૂબી જશે તો દેશ ડૂબી જશે, હું ખેડૂતને કોઈ નુકસાન નહીં થવા દઉં. તેમણે કહ્યું કે પંજાબ સરકાર ખેડૂતોના સંઘર્ષમાં તેમની પડખે ઉભી રહેશે અને રાજ્યમાં ખેડૂતને નબળો પડવા દેવામાં આવશે નહીં. ચન્નીએ કહ્યું કે અમે ખેડૂતોને દરેક રીતે ટેકો આપીએ છીએ. 

ચન્નીએ પોતાના ભાષણમાં અમરિંદર સિંહનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, 'અમરિંદર સિંહે એક મહાન કામ કર્યું. તે અમારી પાર્ટીના નેતા છે. હાઈકમાન્ડે મને 18 મુદ્દાઓ આપ્યા છે જે બાકીની મુદતમાં જ પૂર્ણ થઈ જશે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારને તેમની અપીલ કૃષિ કાયદા પાછા ખેંચવાની છે. 

ચન્નીએ અગાઉ કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે પાર્ટીએ એક સામાન્ય માણસને મુખ્યમંત્રી બનાવ્યા છે. ચન્નીએ એમ પણ કહ્યું કે મુખ્યમંત્રી કંઈ નથી પણ પાર્ટી જ બધું છે.