કર્ણાટક પોલીસના ‘સિંઘમ’ તરીકે જાણીતા પૂર્વ IPSએ રાજકારણમાં આવવા નોકરી કેમ છોડી હતી?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, જુન 2026  |   3267


તમિલનાડુ ભાજપના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ ચર્ચામાં આવેલા કે. અન્નામલાઈની ભૂતકાળની સફર પણ એટલી જ રોમાંચક રહી છે. એક એવા પૂર્વ આઈપીએસ અધિકારી, જેમને તેમની કડક અને બાંધછોડ વગરની પોલીસિંગ શૈલીના કારણે કર્ણાટક પોલીસમાં ‘સિંગમ’નું બિરુદ આપવામાં આવ્યું હતું. તેમની લોકપ્રિયતા એવી હતી કે જ્યારે ઉડુપીના એસપી તરીકે તેમની બદલી કરવામાં આવી, ત્યારે સ્થાનિક લોકોએ તે ર્નિણયનો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી પ્રદર્શનો કર્યા હતા. જાે કે, રાજકારણમાં પ્રવેશવાના પોતાના સપનાને પૂરું કરવા માટે અન્નામલાઈએ મે ૨૦૧૯માં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (બેંગલુરુ સાઉથ)ના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. વર્ષ ૨૦૧૧ની બેચના કર્ણાટક કેડરના આ અધિકારીએ તે સમયે પોતાના મિત્રો અને હિતેચ્છુઓને સંબોધીને એક ભાવુક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે ખુલાસો કર્યો હતો કે સિવિલ સર્વિસ (સરકારી નોકરી) છોડતા પહેલાં તેમણે ખૂબ જ લાંબો અને ઊંડો વિચાર કર્યો હતો. તેમણે રાજીનામું આપવા પાછળના કેટલાક મુખ્ય કારણો પણ દર્શાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રાજીનામું આપવાના એક વર્ષ પહેલાં તેમણે કરેલી કેલાસ માનસરોવરની યાત્રાએ તેમને જીવનની પ્રાથમિકતાઓને વધુ સારી અને સ્પષ્ટ રીતે સમજવામાં મદદ કરી હતી. ઉપરાંત, અન્નામલાઈએ લખ્યું હતું કે ડિસેમ્બર ૨૦૧૮માં વરિષ્ઠ આઈપીએસ અધિકારી મધુકર શેટ્ટીનું સ્વાઈન ફ્લૂના કારણે થયેલું અવસાન તેમના આ ર્નિણય માટે મોટું નિમિત્ત બન્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, મધુકર શેટ્ટીએ બલ્લારીમાં ગેરકાયદેસર ખનન (માઇનિંગ) નો પર્દાફાશ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. અન્નામલાઈએ તેમના વિદાય પત્રમાં ગંભીરતાપૂર્વક લખ્યું હતું કે, ‘મધુકર શેટ્ટી’ સરના અવસાને મને એક પ્રકારે મારું પોતાનું જીવન ફરીથી તપાસવા માટે મજબૂર કર્યો હતો. અને આ જ આંતરિક મંથનના અંતે તેમણે ખાખી વર્દી છોડીને જનસેવા અને રાજકારણના માર્ગે આગળ વધવાનો મક્કમ ર્નિણય કર્યો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution