વડોદરા, તા.૫

‘સાહેબ, અમારા ઘરે કોર્પોરેશનનું જે પાણી આવે છે એ રીતસરનું દુર્ગંધ મારે છે. અમે આ બાબતે ઘણી રજૂઆતો કરી છે. વોર્ડ ઓફિસે અમે રૂબરૂમાં પણ ફરિયાદ કરી છે અને ઓનલાઈન પણ રજૂઆત કરી છે. પરંતુ, કોઈ યોગ્ય જવાબ આપતું નથી. અમે અમારાં વોર્ડના કાઉન્સિલર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીને પણ ઘણી વખત રજૂઆત કરી છે, પણ કોઈ નિકાલ થતો નથી. હવે, તો એમણે અમારાં ફોન રિસિવ કરવાના બંધ કરી દીધા છે. આજે અમે કોર્પોરેશનમાં રજૂઆત કરવા આવ્યા ત્યારે ડો. શીતલ મિસ્ત્રીએ અમારી સાથે બહુ જ ખરાબ વર્તન કર્યું છે. એમને મહિલાઓ સાથે કેવી રીતે વાત કરવી એનું ભાન નથી. અમે એમને વોટ આપીને કાઉન્સિલર બનાવ્યા હતા અને એક વખત કાઉન્સિલર બની ગયાં પછી તેઓ અમારી સાથે ખરાબ વર્તન કરે છે. અમે રજૂઆત કરીએ છીએ કે, અમારાં ઘરે કોર્પોરેશનનું જે પાણી આવે છે એ દુર્ગંધ મારે છે, પણ તેઓ અમારી વાત માનવા તૈયાર નથી. તેમનંુ કહેવંુ છે કે, કોર્પોરેશનના પાણીમાં કોઈ ખરાબી નથી. તેઓ અમને જુઠ્ઠા સાબિત કરવા માગે છે. હવે, તમે જ જવાબ આપો કે, આવું દુર્ગંધ મારતું પાણી અમારે કેવી રીતે પીવુ? અમારી સોસાયટીના બધા જ મકાનોને પીવા માટે બહારથી પાણીના જગ મગાવવા પડે છે. અને ડો. શીતલ મિસ્ત્રી અમારી વાત સ્વીકારવા તૈયાર નથી. અમે રજૂઆત કરવા ગયા તો ડોક્ટર અમારી સાથે ગેરવર્તન કરે છે. હવે, અમારે કોને રજૂઆત કરવી?’ આ વ્યથા બીજા કંઈની નહીં પણ ડો. શીતલ મિસ્ત્રીના વોર્ડની છે. આ વ્યથા વારસિયા વિસ્તારમાં આવેલા સુરૂચી પાર્કના સેંકડો રહીશોની છે. છેલ્લા કેટલાય વખતથી સુરૂચી પાર્કમાં આવતું કોર્પોરેશનનું પાણી દુર્ગંધ મારે છે. અને ડો. શીતલ મિસ્ત્રી એ સ્વીકારવા જ તૈયાર નથી. ઉપરથી એમને જુઠ્ઠા સાબિત કરવાની મથામણ કરી રહ્યા છે.

સુરૂચી પાર્કના રહીશો ડો. શીતલ મિસ્ત્રીથી કંટાળી ગયા છે. ડો. શીતલ મિસ્ત્રીને વોટ આપીને પોતે છેતરાયા હોય એવો અહેસાસ એમને સતત કોરી ખાય છે. સોસાયટીની એક મહિલા પોતાની વ્યથા ઠાલવતા કહે છે કે, અમે ભાજપને જાેઈને વોટ આપ્યાં પણ અમને ક્યાં ખબર હતી કે, અમે જેની પર વિશ્વાસ કર્યો એ ભારતીય જનતા પાર્ટી અમારાં લમણે ડો. શીતલ મિસ્ત્રી જેવા કાઉન્સિલરો મારશે.

ડોક્ટર સાહેબ મોટા અવાજે હાથ ઊંચા કરી કરીને બોલતા હતા, રહીશો તેમનાંથી પણ ઊંચા સૂરે પોતાની રજૂઆત કરતા હતા!

ડો. શીતલ મિસ્ત્રી વારસિયાના સુરૂચી પાર્કના રહીશોના ફોન રિસિવ કરતા નથી. એટલે આજે વિફરેલા લોકો કોર્પોરેશનમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેઓ જ્યારે પીવાના પાણી બાબતે ડો. શીતલ મિસ્ત્રીને મળ્યાં ત્યારે ડોક્ટર સાહેબે એમના મિજાજ પ્રમાણે પહેલા તો બધાને રીતસરના તતડાવી નાખ્યાં અને પછી નાગરિકોની રજૂઆત સાંભળવાને બદલે જાહેરાત કરી દીધી કે, સુરૂચી પાર્કમાં આવતાં પાણીમાં કોઈ ખરાબી નથી. આમ, ડોક્ટર સાહેબે સુરૂચી પાર્કના ૪૨ મકાનોના સેંકડો રહીશોની રજૂઆતનો સીધેસીધો છેદ જ ઉડાડી નાખ્યો હતો. આશ્ચર્યની વાત એ હતી કે, સુરૂચી પાર્કના રહીશો પણ કંઈ જાય એવા ન હતા. તેઓ ગંદા પાણીની સમસ્યા રોજ વેંઠતા હોવાથી તેમનાં ઈરાદા પણ મક્કમ હતા. ડોક્ટર સાહેબ જેટલા મોટા અવાજે હાથ ઊંચા કરી કરીને બોલતા હતા. રહીશો તેમનાંથી પણ ઊંચા સૂરે પોતાની રજૂઆત કરતા હતા. આમ, બંને પક્ષો વચ્ચે લાંબા સમય સુધી ચડભડ ચાલી હતી.

એમને મહિલાઓ સાથે વાત કરવાનો વિવેક નથી

‘અમે વારસિયાના સુરૂચી પાર્કથી આવ્યા છીએ. અમે ડોક્ટર શીતલ મિસ્ત્રીને મળવા આવ્યા છીએ. એમણે અમને જરાંય સહકાર આપ્યો નથી. એ કહે છે કે, અધિકારીઓ સાથે વાત કરો. અધિકારીઓ સાથે શું વાત કરવાની. જેને ચૂંટણીમાં વોટ આપ્યો હોય એ જ વાત કરવા તૈયાર નથી તો ક્યાં જવાનું? એમને મહિલાઓ સાથે વાત કરવાનો વિવેક નથી.’ આ વાક્યો સુરૂચી પાર્કની એક મહિલાના છે. મેયરના કેબિનની બહાર ઊભેલાં આ મહિલાના ચહેરા ઉપર ડો. શીતલ મિસ્ત્રી સામે ભારેભારો રોષ જાેવા મળતો હતો.’

લોકો કહે છે, લખાણમાં આપો, પાણી પીવાલાયક છે

‘પીળા રંગનું પાણી આવતંુ હોવાની અવારનવાર રજૂઆતો હતી. મેં અધિકારીઓને રજૂઆત કરી અને સોસાયટીના પાણીના સેમ્પલો લેવડાવ્યા હતા. પાણીમાં કોઈ પણ જાતનું કન્ટામિનેશન દેખાતું નથી. છતાંય લોકોની માગણી છે કે, અમને લખાણમાં આપો કે, આ પાણી પીવાલાયક છે. એટલે અધિકારીઓ સાથે વાત કરાવી રહ્યો છું.’ પોતાનાં જ વોર્ડના રહીશોના આક્ષેપો અને ગંદા પાણીની સમસ્યાના મુદ્દે ઘેરાયેલાં ડો. શીતલ મિસ્ત્રીએ આવી વાત કહી હતી.

હાથ ઊંચો કરી...કરીને મોટે મોટેથી વાત કરે છે

‘અમે ઘણી રજૂઆતો કરી પણ એ સાંભળવા તૈયાર નથી. અમે એમને વોટ આપીને જીતાડ્યા છે. અને હવે એ અમારું કામ નથી કરતા. તો એવા વ્યક્તિનો મતલબ શું? છેલ્લા અઠવાડિયાથી કેટલાય કોલ કર્યા પણ રિસિવ નથી કરતા. અત્યારે એણે અધિકારીઓને બોલાવ્યા છે. અને કહે છે, તમે એમની સાથે જાેઈ લેજાે. અમે એમની પાસે રજૂઆત કરવા આવ્યા છીએ અને હાથ ઊંચો કરી...કરીને મોટે મોટેથી વાત કરે છે. કહે છે તમે આ અધિકારી સાથે વાત કરી લો. એનો મતલબ શું?’