વડોદરામાં શિસ્તબદ્ધ પક્ષના લીરેલીરા ઉડાડતા ‘ગદ્દારો’ સામે પગલાં કેમ નહીં?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, એપ્રીલ 2026  |   વડોદરા   |   2376

વડોદરામાં સ્થાનિક કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે જે સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ છે, તે માત્ર એક મેસેજ નથી, પણ ભાજપના આંતરિક સડાની ‘એક્સ-રે રિપોર્ટ’ છે. આશ્ચર્યની વાત એ છે કે, વિપક્ષને મજબૂત કરવાની અને સત્તાપક્ષને હરાવવાની અપીલ કોઈ વિરોધ પક્ષના નેતાએ નહીં, પણ ભાજપના જ ‘કૃપાપાત્ર’ અને સરકાર નિયુક્ત સેનેટ સભ્ય જિગ્નેશ શાહે કરી છે. જે પક્ષે તેમને ઓળખ આપી, તે જ પક્ષ વિરુદ્ધ ઝેર ઓકીને ‘લોકશાહી બચાવો’ના નામે જનતાને ઉશ્કેરવી એ રાજકીય ગંદકીની પરાકાષ્ઠા છે.

સોશિયલ મીડિયા પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ રીતે જ ધમકી અને પૈસાના જાેરે લોકોને ચૂંટણી લડતાં બંધ કરાવી દેવાશે તો લોકશાહી માટે ભવિષ્ય ઉજળું નથી. વડોદરાની જનતાને નમ્ર અપીલ વિરોધપક્ષ મજબૂત કરશો તો જ તમારો અવાજ સંભળાશે. આ છેલ્લી ચૂંટણી છે, જાે વિરોધપક્ષ મજબૂત નહીં બન્યો તો આવનારી ચૂંટણીમાં સત્તાપક્ષ સામે કોઈ ઊભું રહેવા તૈયાર નહીં થાય. એ દિવસે આપ સૌ ખુબ પસ્તાશો. વડોદરાની જનતાને વિનંતી- ‘બે મત સત્તાપક્ષને અને બે મત વિપક્ષને આપો.’ આ કેવા પ્રકારની રાજકીય નૈતિકતા છે? ટિકિટ ન મળતાં અથવા અંગત સ્વાર્થ ન સંતોષાતા ‘જૂના જાેગીઓ’ જ્યારે પક્ષ સામે તલવારો કાઢે છે, ત્યારે સાબિત થાય છે કે તેમને લોકશાહી કે જનતાના અવાજ સાથે કોઈ લેવા-દેવા નથી, તેમને માત્ર પોતાની ખુરશીમાં રસ છે. વડોદરાની જનતાને ભ્રમિત કરવાનો આ પ્રયાસ શરમજનક છે. જે ભાજપના શાસનમાં સેનેટ સભ્ય પદ ભોગવે છે, તે જ કયા મોઢે સત્તાપક્ષ સામે મત આપવાની અપીલ કરી શકે?

સંસ્કારી નગરી વડોદરામાં ભાજપના નામે જે ખેલ ખેલાઈ રહ્યો છે, તે શરમજનક જ નહીં પણ સંઘર્ષના પાયા પર ઊભેલા આ પક્ષ માટે આત્મઘાતી છે. જિગ્નેશ શાહ જેવા, જેમને પક્ષે વડોદરાની ખ્યાતનામ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સરકાર નિયુક્ત સેનેટ સભ્ય જેવું પ્રતિષ્ઠિત પદ આપ્યું, તે જ આજે સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ વિપક્ષને મત આપવાની ભલામણો કરી રહ્યા છે. આ કોઈ લોકશાહી બચાવવાની લડાઈ નથી, આ તો ‘થાળીમાં ખાઈને એમાં જ છેદ’ કરવાની હલકી માનસિકતા છે. પરંતુ સવાલ એ છે કે, આટલો મોટો ઘા થયા છતાં સંગઠન હજુ સુધી પાટાપિંડી કેમ નથી કરી રહ્યું?

વડોદરા ભાજપનું વર્તમાન સંગઠન અને પદાધિકારીઓ શા માટે મૌન સેવીને બેઠા છે? શું જિગ્નેશ શાહ પર જે ‘ચાર હાથ’ હોવાની ચર્ચા છે, તે હાથ સંગઠનના ગળા સુધી પહોંચી ગયા છે? પક્ષ વિરુદ્ધ પ્રચાર કરવો અને વિરોધપક્ષને મજબૂત કરવાની અપીલ કરવી એ ભાજપના બંધારણ મુજબ ‘ગંભીર શિસ્તભંગ’ છે. તેમ છતાં, હજુ સુધી આવાં લોકોને પક્ષમાંથી હાંકી કાઢવાની હિંમત કેમ નથી બતાવાઈ? શું સંગઠન પોતે જ આ ‘વિભિષણ’ ગેંગનો હિસ્સો છે? આ મૌન પ્રતીક છે કે વડોદરા ભાજપમાં શિસ્તના નામે હવે માત્ર મીંડું રહ્યું છે.

એક તરફ પક્ષનો પાયાનો કાર્યકર તડકામાં ઘર-ઘર ફરીને ભાજપનો પ્રચાર કરે છે અને બીજી તરફ પક્ષના જ હોદ્દેદારો પક્ષને હરાવવાના ફતવા બહાર પાડે છે. આ ‘જૂના જાેગીઓ’ને પક્ષે બધું જ આપ્યું, પણ જ્યારે ટિકિટની વાત આવી કે સત્તામાં થોડી કાપલી પડી, એટલે તુરંત જ પોતાનો અસલી રંગ બતાવી દીધો. સંગઠનના નેતાઓને શરમ આવવી જાેઈએ કે જેમના ઈશારે આ મેસેજ સર્ક્યુલેટ થઈ રહ્યા છે, તેમને પક્ષના કાર્યક્રમોમાં હજુ પણ સ્ટેજ પર સ્થાન કેમ મળે છે? શું ભાજપને હવે વડોદરામાં ગદ્દારોના સહારે ચાલવાની આદત પડી ગઈ છે?

જિગ્નેશ શાહ તો માત્ર એક મહોરું છે, પણ ભાજપમાં આવા અનેક અદ્રશ્ય વિભિષણો ફરી રહ્યા છે, જે વડોદરા ભાજપની ‘લંકા’ સળગાવવા માટે તૈયાર બેઠા છે. જાે આજે આ એક વિભિષણની શિખામણ કાપવામાં નહીં આવે, તો કાલે બીજા દસ ઊભા થશે. સંગઠનના કૃપાપાત્ર બનેલા આ ગદ્દારો પક્ષને તોડવા માટે વિરોધપક્ષ સાથે પણ અંદરખાને ગઠબંધન કરી રહ્યા છે. વડોદરાની જનતા અને કાર્યકરોમાં એવો મેસેજ જઈ રહ્યો છે કે ભાજપમાં ‘ગુંડાશાહી’ અને ‘ગદ્દારી’ કરનારાઓનું જ ચલણ છે, કારણ કે તેમની સામે પગલાં લેવાની સત્તાધીશોમાં ત્રેવડ નથી.

વડોદરા ભાજપમાં રંધાઈ રહેલી રાજકીય ખીચડી હવે શિસ્તના તપેલામાંથી બહાર ઉભરાઈ રહી છે. સત્તાના નશામાં ચૂર શાસકો અને પક્ષમાં રહીને જ પક્ષના મૂળિયાં ખોદનારા ‘વિભિષણો’એ વડોદરાની જનતાને મૂર્ખ બનાવવાનું શરૂ કર્યું છે.

વડોદરા ભાજપના નેતાઓ સાંભળી લે, જાે આ વખતે આ ગદ્દારોને જડબાતોડ જવાબ ન મળ્યો અને તેમને પક્ષના દરવાજાની બહાર ન ફેંકાયા, તો આવનારી ચૂંટણીમાં જનતા તમને જે સબક શીખવશે તે કાયમ માટે યાદ રહી જશે. મૌન તોડો અથવા ખુરશી ખાલી કરો, વડોદરા ભાજપને ‘નમાલા’ સંગઠનની જરૂર નથી, મજબૂત અને શિસ્તબદ્ધ નેતૃત્વની જરૂર છે.

જિગ્નેશ શાહ જેવા જ્યારે ખુલ્લેઆમ પક્ષ વિરુદ્ધ પ્રચાર કરે અને સંગઠન ‘મૌન’ સેવીને બેસી રહે, ત્યારે અનેક સવાલો ઊભા થાય છે. શું વર્તમાન સંગઠન એટલું લાચાર છે કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે પગલાં લેવાની હિંમત નથી? કે પછી આ આખી રમત કોઈ મોટા માથાઓના ઈશારે રમાઈ રહી છે? વડોદરા ભાજપ હંમેશાથી ‘ઝઘડાની લેબ’ ગણાય છે, પણ હવે આ લેબમાં લોકશાહીના મૂલ્યોની એસિડ ટેસ્ટ થઈ રહી છે. સંગઠનના પૂર્વ પદાધિકારીઓ જ્યારે ‘વિભિષણ’ બનીને પક્ષને તોડવા નીકળે, ત્યારે સમજવું કે ભાજપને હરાવવા માટે વિપક્ષની જરૂર નથી, તેના ‘ઘરના ઘાતકીઓ’ જ કાફી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution