દિલ્હી-

દુનિયામાં ઘણા દાયકાઓથી ગ્લોબલ વોર્મિંગને કારણે વધતી જઈ રહેલી ગરમી અને ક્લાઈમેટ ચેન્જને લઈને પર્યાવરણ શાસ્ત્રીઓ ભારે કાગારોળ મચાવી રહ્યા છે. ત્યારે પરિસ્થિતિ એ હદે પહોંચી જવા પામી છે કે હવે જાે ગ્લોબલ વોર્મિંગ અટકાવવા સાથે તેને નાથવા માટેના કોઈ પગલાં લેવામાં નહીં આવે તો માનવજાતનું અસ્તિત્વ જાેખમમાં મૂકાઈ જશે. ક્લાઈમેટ ચેન્જના કારણે વિશ્વભરમાં કુદરતી આફતોનું પ્રમાણ વધતુ રહ્યું છે અને તેનો સીધો ફટકો ગરીબ અને વિકાસશીલ દેશોને પડ્યો છે જેના કારણે જે તે આવા દેશોની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે જેમાં ભારત પણ બાકાત નથી. થોડા સમય પહેલા યુએનના અહેવાલમાં દુનિયાભરના દેશોને ચેતવણી આપી હતી કે આવતાં દોઢ દાયકામાં ધરતીનું સરેરાશ તાપમાન ૧.૫ ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધી જશે. આ તાપમાનમાં થઈ રહેલો વધારો માનવસર્જિત છે જેના કારણે દુનિયાના વિવિધ ભાગોમાં વિવિધ સંકટો ઉભા થઇ રહ્યા છે.

ક્લાઈમેટ ચેન્જ દુનિયાભરની ધરતી માટે મોટો ખતરો બની ગયો છે અને લાંબા સમયથી ધરતી પરના પર્યાવરણમા ફેરફાર થઈ રહ્યો છે જેને માટે ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે. તે સાથે ધરતીને બચાવવા માટે વિશ્વ પર્યાવરણ સંમેલનનો, શિખર પરિષદો સતત નિયમિત યોજાતા રહ્યા છે અને તેમાં મોટી મોટી જાહેરાતો કરવામાં આવતી રહી છે. પરંતુ આ મૂળ સમસ્યાને નાથવા માટેનો સમૂહમાં ઉકેલ લાવી શક્યા નથી. આ સમસ્યા દિવસે-દિવસે વધતી જઈ રહી છે આ બાબતે દુનિયાભરના દેશો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે પરંતુ પર્યાવરણીય વિનાશકતાને નાથવા સહમત નથી થયા કે કાર્બન ઉત્સર્જન કેવી રીતે ઘટાડવું તેમજ તેની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે કરવી? ટૂંકમાં વિશ્વના દેશો શિખર સંમેલનો યોજે છે, જાહેરાતો કરે છે.પરંતુ ચિંતા વ્યક્ત કરવાથી આગળ વધી શક્યા નથી તેમજ તેનો ઉકેલ શોધી શક્યા નથી.

દુનિયાના હવામાન તજજ્ઞો તેમજ મોસમ વિજ્ઞાનિઓએ પણ દુનિયાના દેશોને ચેતવણી આપી છે કે સૌથી મોટું જાેખમ વધતા જતા તાપમાનનુ છે. એટલા માટેજ આવતા દાયકાઓમાં ધરતીનું તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડવાનો આકરો પડકાર ઉભો થયો છે. બીજી તરફ પર્યાવરણ બચાવવા કે ગ્લોબલ વોર્મિંગ નાથવા માટેના સંમેલનો, શિખર બેઠકો તો ઘણા વર્ષોથી યોજાય છે અને મોટી મોટી વાતો કરીને તેમજ જાહેરાતો કરીને છુટા પડે છે એટલે કે પાછા હતા ત્યાં ને ત્યાં.અને તેનું કારણ છે શક્તિશાળી દેશો પોતાના સ્વાર્થ અને લાલસાને કારણે ધરતીને બચાવવાના કોઈ પણ પ્રયાસોમા સહકાર આપતા નથી અને ઉપરથી પર્યાવરણની પરિસ્થિતિ કથળવાનો આરોપ ગરીબ દેશો પર થોપી દે છે.

ગરમી ઘટાડવા કે હવામાન સુધારવા માટે જંગલો કાપવાનું બંધ કરી વધુમાં વધુ વૃક્ષો વાવવા તેમજ જમીન ધોવાણ અટકાવવા, વાહનો અને ઔદ્યોગિક એકમો દ્વારા થતાં પ્રદૂષણને, બળતણ તરીકે લાકડા અને કોલસાના ઉપયોગને કારણે થતાં પ્રદૂષણને નાથવા કોઈજ આયોજન કે પ્લાન નથી. હવામાન સંસ્થાઓ, વિજ્ઞાનિઓ અને તજજ્ઞો, સંશોધકોના અહેવાલો દુનિયાના દેશો સમક્ષ છે. અને તે અહેવાલો અનુસાર તાત્કાલિક તાપમાન ઘટાડવા, કાર્બન ઘટાડવા, પ્રદૂષણ ઘટાડવા માટેના પગલા લેવાની જરૂર છે. નહીં તો ધરતીનુ તાપમાન બે-લગામ બની જશે જેને દુનિયાને કોઈ તાકાત રોકી નહીં શકે!