લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, મે 2026 |
3564
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના જંગમાં કોણ વિજેતા બનશે તેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે. સોમવારે સવારે મતગણતરી શરૂ થવાની સાથે જ સ્પષ્ટ થઈ જશે કે મુખ્યમંત્રી મમતા બેનર્જી ચોથી વખત સત્તા જાળવી રાખશે કે પછી ભાજપ દીદીના કિલ્લામાં ગાબડું પાડી પ્રથમવાર સત્તાના સૂત્રો સંભાળશે.
આ વખતની ચૂંટણી અનેક રીતે ઐતિહાસિક રહી છે. રાજ્યમાં અત્યાર સુધીનું સૌથી વધુ અંદાજે ૯૨.૫% મતદાન નોંધાયું છે. એક્ઝિટ પોલ્સમાં રસાકસીભર્યા જંગની આગાહી કરવામાં આવી છે, જેમાં કેટલીક સંસ્થાઓએ ભાજપનો ઉપર હાથ હોવાનું અનુમાન કર્યું છે. મમતા બેનર્જીએ આ ભારે મતદાનને ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાંથી ૯૧ લાખ નામો કાઢી નાખવાની પ્રક્રિયા સામે ‘જનઆક્રોશ’ ગણાવ્યો છે.
મમતા બેનર્જીના દાવા મુજબ, ટીએમસી ૨૦૦થી વધુ બેઠકો જીતીને ‘ઓપરેશન લોટસ’ના ભયથી મુક્ત રહેવા માગે છે. દક્ષિણ બંગાળના ગઢ અને પ્રેસિડેન્સી ડિવિઝનની ૧૧૧ બેઠકો જાળવી રાખવી તેમના માટે અનિવાર્ય છે.
સામે ૨૦૨૧માં ૭૭ બેઠકો જીતીને મુખ્ય વિપક્ષ બનેલી ભાજપ આ વખતે ૧૦૦નો આંકડો વટાવીને બહુમતી મેળવવા એડીચોટીનું જાેર લગાવી રહી છે. પક્ષને આશા છે કે ઉત્તર બંગાળમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખીને તે દક્ષિણ બંગાળમાં ગાબડું પાડશે.
બધાની નજર મમતાની બેઠક ભવાનીપુર પર
સૌથી વધુ હાઈ-વોલ્ટેજ જંગ ભવાનીપુર બેઠક છે, જ્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે તેમના પૂર્વ સાથી સુવેન્દુ અધિકારી મેદાને છે. ૨૦૨૧માં નંદીગ્રામમાં મમતાનો પરાજય કરનાર સુવેન્દુ આ વખતે તેમને પોતાના ગઢમાં પછડાટ આપી શકશે કે કેમ તે જાેવું રસપ્રદ રહેશે.
બંગાળમાં કોંગ્રેસ ક્યાં?
૨૦૨૧માં શૂન્ય પર આઉટ થયેલા કોંગ્રેસે આ વખતે એકલા હાથે ચૂંટણી લડી છે, જ્યારે ડાબેરી પક્ષોએ આઇએસએફ સાથે ગઠબંધન કર્યું છે.
૧૬૫ વધારાના ગણતરી નિરીક્ષકોની નિમણૂક કરાઈ
પશ્ચિમ બંગાળમાં ૨૯૪ બેઠકો માટે મત ગણતરી પહેલા સ્ટ્રોંગરૂમ અને ઈવીએમના વિવાદો વચ્ચે ચૂંટણી પંચે સુરક્ષા અને પારદર્શિતા વધારવા માટે ૧૬૫ વધારાના ગણતરી નિરીક્ષકો,૭૭ પોલીસ નિરીક્ષકોની નિમણૂક કરી છે.