લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, જુલાઈ 2026 |
2475
ચોમાસુ આવે અને શહેરનાં રસ્તાઓ ચંદ્રની ધરતી જેવાં બની જાય તેવાં દ્રશ્યો સુરતીઓ માટે હવે સામાન્ય બની ગયાં છે. દર વર્ષે પ્રીમોન્સૂન એક્ટિવિટીનાં નામે કાગળ ઉપર કામગીરી દર્શાવવામાં આવે અને ખરેખર ચોમાસુ શરૂ થાય એટલે પાણી ભરાવાથી માંડી રસ્તા તૂટવા, ભૂવા પડવા તેમજ ટ્રેન્ચ બેસી જવાનાં બનાવો બને છે. આ વર્ષે ચોમાસુ શરૂ થયાનાં ૪૮ કલાકમાં જ સુરત શહેરમાં ૧૪ સ્થળે ટ્રેન્ચ બેસી જવાનાં તેમજ ભૂવા પડવાનાં બનાવો બનતા શહેરીજનોમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે. ડ્રેનેજ, પાણી અને રોડની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરોની નબળી કામગીરી અને મહાનગર પાલિકાનાં અધિકારીઓનાં નબળા સુપરવિઝનને કારણે જ ટ્રેન્ચ બેસી જવાનાં કે ભૂવા પડવાનાં બનાવ બને છે અને કરોડો રૂપિયાનો ટેક્સ ભરતાં શહેરીજનોએ સહન કરવું પડી રહ્યું છે ત્યારે આવતીકાલે મહાનગર પાલિકાની મુખ્યકચેરી ખાતે મળનારી સંકલન બેઠકમાં ધારાસભ્યો અને સંસદસભ્ય ખરેખર પ્રજાનાં પ્રતિનિધિ બનીને મનપા તંત્ર ઉપર પસ્તાળ પાડશે કે પછી મૌન ધારણ કરશે તેની ઉપર લોકોની નજર છે.
સુરત શહેરમાં વર્ષ ૨૦૨૪ અને વર્ષ ૨૦૨૫માં ડીફેક્ટ લાયેબિલિટી પીરિયડનાં ૪૭ રસ્તા તૂટ્યાં હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડીએલપીનાં રસ્તા તૂટ્યાં હોય તો તેવા કિસ્સામાં કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો તેમ છતાં તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે ૧૦ કોન્ટ્રાક્ટરોને માત્ર ૫૦ લાખ રૂપિયાનો દંડ ફટકારીને સંતોષ માન્યો હતો. પાંચ કોન્ટ્રાક્ટરો એવા છે કે સતત બે વર્ષ તેમણે બનાવેલાં રોડ ડીફેક્ટ લાયેબિલિટી પીરિયડ દરમિયાન તૂટ્યાં છે છતાં આ પાંચેય કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા ન હતાં. આ વર્ષે તો પરિસ્થિતિ અત્યંત ખરાબ હોય તેવું જણાઇ રહ્યું છે. રસ્તા તો તૂટ્યાં જ છે સાથો સાથ પાણી અને ડ્રેનેજનાં કામો થયાં બાદ રોડ બનાવી દેવાયો હોય ત્યાં ચોમાસાની શરૂઆતમાં જ ટ્રેન્ચ બેસી જવાનાં તેમજ ભૂવા પડવાનાં ૧૪ બનાવો બન્યાં છે. ગુજરાતનાં આર્થિક પાટનગર ગણાતાં સુરત શહેરની અવદશા અંગે પીએમઓ અને સીએમઓ તરફથી ઠપકો મળતાં મહાનગર પાલિકાનું વહિવટી તંત્ર દોડતું થઇ ગયું હતું. મ્યુનિસિપલ કમિશનરે પણ અધિકારીઓને લબડધક્કે લઇ તાત્કાલિક સમારકામ કરવા આદેશ આપ્યો હતો. ૧૪ કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકારવામાં આવી છે પરંતુ કોઇને બ્લેકલિસ્ટ કરવાની હિંમત કમિશનરે દાખવી નથી.