લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, માર્ચ 2026 |
1980
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના હવામાનમાં અચાનક મોટો પલટો આવ્યો છે. અમરેલી જિલ્લામાં કાળઝાળ ગરમી અને બફારા વચ્ચે અચાનક કમોસમી વરસાદ ખાબક્યો છે, જ્યારે અરવલ્લી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ભર ઉનાળે આવેલા આ માવઠાના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે, કારણ કે કેરી, ઘઉં અને મકાઈ જેવા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ છે. હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ અને તેજ પવનની આગાહી કરી છે, જેના કારણે ગરમીમાંથી લોકોને થોડી રાહત મળશે પણ ખેડૂતો માટે આ આફત બની શકે છે. અમરેલીનાં સાવરકુંડલા પંથકમાં અસહ્ય ગરમી અને બફારા પછી અચાનક વાતાવરણ બદલાયું હતું. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે જાબાળ, બાઢડા, મોટા ઝીંઝુડા, ધજડી, સાકરપરા અને અભરામપરામાં અચાનક જ વરસાદી છાંટા પડ્યા હતા. ઉનાળાની આકરી ગરમી વચ્ચે આવેલા આ કમોસમી વરસાદથી સામાન્ય લોકોને ગરમીથી થોડી રાહત તો મળી છે, પણ આંબાના પાક (કેરી) ને ભારે નુકસાન જવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે.