‘અજય મોદી ટ્રાવેલ્સ‘ના નામે રૂપિયા ૩૩.૮૭ લાખની છેતરપિંડી કરનાર મહિલાની ધરપકડ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, માર્ચ 2026  |   1683

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં ૩૩.૮૭ લાખની છેતરપિંડી આચરનાર મહિલા ઉન્નતિ પટેલની પોલીસે ધરપકડ કરી છે. આરોપી મહિલાએ અજય મોદી ટ્રાવેલ્સના ગ્રાહકોને નિશાન બનાવી ક્યુઆર કોડમાં સેટિંગ કરીને લાખો રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા.ટ્રાવેલ્સ કંપનીની ફ્રેન્ચાઈઝી ન મળતા, ગ્રાહકોના બુકિંગ પર કમિશન મેળવવાના બહાને મહિલાએ આ આખું કૌભાંડ આચર્યું હતું. સેટેલાઈટ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં પ્રખ્યાત ટ્રાવેલ્સ એજન્સી અજય મોદીમાં કમિશન બેઝ પર ગાંધીનગરમાં કામ કરતી મહિલાએ કસ્ટમર સાથે ૩૩.૮૭ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. આરોપી મહિલાએ પોતાના બૅંક ખાતામાં સેટિંગ કર્યું હતું. જેમાં કસ્ટમર જ્યારે પેમેન્ટ કરવા કોડ સ્કેન કરે ત્યારે નામ ‘અજય મોદી ટ્રાવેલ્સ‘નું નામ જ દેખાતું હતું, પરંતુ રૂપિયા સીધા મહિલાના ખાતામાં જમા થતા હતા. આ રીતે મહિલાએ કુલ ૩૩,૮૭,૧૮૪ની છેતરપિંડી કરી હોવાની સેટેલાઇટ પોલીસ સ્ટેશનના ચોપડે ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટના અંગે વસ્ત્રાપુરમાં રહેતા ૪૬ વર્ષીય આલાપ અજય મોદીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેઓ અજય મોદી ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ચલાવે છે. જેમાં ગત વર્ષ ૨૦૨૨માં આરોપી ઉન્નતિ વૈભવભાઈ પટેલ તેમના સંપર્કમાં આવી હતી અને તેને ફ્રેન્ચાઇઝી માંગી હતી. જાેકે, કંપની ફ્રેન્ચાઇઝી આપતી ન હોવાથી માત્ર કમિશન બેઝ પર બુકિંગ આપવાનું નક્કી થયું હતું. છેલ્લા ત્રણ વર્ષથી આ રીતે કામ ચાલતું હતું. પરંતુ મહિલાએ આ વિશ્વાસનો દુરુપયોગ કરી કંપનીના નામે રૂપિયા પોતાના ખાતામાં લેવાનું શરૂ કર્યું હતું. આરોપી મહિલા ઉન્નતિ પટેલે ગાંધીનગરના કુડાસણ ખાતે એક્સિસ બૅંકમાં ઉન્નતિ એન્ટરપ્રાઇઝના નામે ખાતું ખોલાવ્યું હતું. તેણે બૅંકના કોડમાં એવી ગોઠવણ કરી હતી કે કસ્ટમર સ્કેન કરે ત્યારે નામ અજય મોદી ટ્રાવેલ્સ ડિસ્પ્લે થાય. ગ્રાહકો ફ્લાઇટ બુકિંગના નામે જે રૂપિયા ચૂકવતા તે આલાપભાઈને મળવાને બદલે ઉન્નતિના ખાતામાં જતા હતા.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution