લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, જુન 2026 |
2673
અમદાવાદ-મહેસાણા હાઈવે પર કલોલના અંબિકા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ૩ જૂનના વહેલી સવારે બાઈક પર સવાર મહિલાનું ટ્રક નીચે આવી જવાથી ઘટનાસ્થળે જ મોત થયું છે. પોલીસે ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, પેસેન્જર બેસાડવાની ઉતાવળમાં એક રીક્ષા ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળથી આવી રહેલા બાઈકચાલકનું સંતુલન બગડ્યું હતું. બાઈક પાછળ બેસેલી મહિલા રોડ પર પટકાઈ ગઈ હતી અને પાછળથી ઝડપે આવી રહેલી ટ્રકનું ટાયર તેમના પર ફરી વળતાં ઘટનાસ્થળે જ તેમનું કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ કલોલ પોલીસ તુરંત પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.અંબિકા બસ સ્ટેન્ડ વિસ્તારમાં વહેલી સવારથી જ પેસેન્જર રીક્ષાઓ, ઈકો વાહનો અને ખાનગી વાહનો ગેરકાયદેસર રીતે ઉભા રહેતા હોવાથી મુખ્ય હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની ગઈ છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે અહીં વારંવાર થતા ટ્રાફિકને કારણે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વિસ્તારમાં અગાઉ પણ ગંભીર અકસ્માતો સર્જાયા છે. ટ્રાફિકની સમસ્યા માટે ગુજરાત રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ અને સ્થાનિક વહીવટી તંત્રની બેદરકારી જવાબદાર હોવાનું માનવામાં આવે છે. રોડની બંને બાજુએ પેસેન્જર રીક્ષાઓ અને લારી-ગલ્લાના દબાણને કારણે ટ્રાફિક વધુ વિકરાળ બન્યો છે. હાઈવે પર ઠેર-ઠેર રોડ સેફ્ટીની ખામીઓ અને રસ્તાની ખરાબ હાલત પણ અકસ્માતના કારણોમાં સામેલ છે.