મહિલા અનામત બિલ પાસ ન થયું, તેની માફી માગું છું : વડાપ્રધાન
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, એપ્રીલ 2026  |   3861

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે મહિલા અનામત પસાર કરાવી શક્યા નથી, તે માટે હું તમામ મહિલાઓની માફી માગું છું. પીએમએ કહ્યું, મારા માટે દેશહિત સર્વોપરી છે. કોંગ્રેસ, ડીએમકે, સપા જેવા પક્ષોની સ્વાર્થી રાજનીતિનું નુકસાન દેશની નારીને ભોગવવું પડ્યું છે. લોકસભામાં શુક્રવારે મહિલા અનામત સંબંધિત બંધારણ (૧૩૧મો સુધારો) બિલ પસાર થઈ શક્યું ન હતું. આ બિલમાં લોકસભાની બેઠકો ૫૪૩થી વધારીને ૮૧૬ કરવાની અને મહિલાઓને ૩૩% અનામત આપવાનો પ્રસ્તાવ હતો. વધુમાં વડાપ્રધાને કહ્યું, જે પક્ષોએ બિલનો વિરોધ કર્યો, તેમને હું સ્પષ્ટપણે કહીશ કે આ લોકો મહિલા શક્તિને હળવાશથી લઈ રહ્યા છે. તેઓ ભૂલી રહ્યા છે કે ૨૧મી સદીની મહિલા બધા પર નજર રાખી રહી છે.

તે તેમની મંશા જાેઈ રહી છે. મહિલા અનામતને રોકીને વિપક્ષે જે પાપ કર્યું છે, તેની તેમને સજા ચોક્કસ મળશે. આ પક્ષોએ બંધારણ નિર્માતાઓની ભાવનાઓનું અપમાન કર્યું છે. જનતાની સજાથી તેઓ બચી શકશે નહીં. ગૃહમાં આ કાયદો કોઈ પાસેથી કંઈ છીનવી રહ્યો ન હતો. કંઈક ને કંઈક આપવાનો હતો.

વિપક્ષ મહિલાઓ પાસેથી તેમનો અધિકાર છીનવીને ટેબલ થપથપાવી રહ્યો હતો

વડાપ્રધાન મોદીએ કહ્યું, વિપક્ષ મહિલાઓ પાસેથી તેમનો અધિકાર છીનવીને ટેબલ થપથપાવી રહ્યો હતો. તેમણે જે કર્યું તે ટેબલ પર માત્ર થાપ નહોતી, તે મહિલાના સ્વાભિમાન પર ઈજા હતી. મહિલા બધું ભૂલી જાય છે પણ અપમાન નથી ભૂલતી. દેશની મહિલા જ્યારે પણ પોતાના ક્ષેત્રમાં આ નેતાઓને જાેશે ત્યારે યાદ કરશે કે આ લોકોએ જ મહિલા અનામત રોકવાનો જશ્ન મનાવ્યો હતો.

 સંઘિય માળખાને નબળું પાડવાના પ્રયાસને વિપક્ષે રોકી દીધો : પ્રિયંકા

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, સરકારના સંઘીય માળખાને નબળું પાડવાના પ્રયાસને વિપક્ષે એક થઈને રોકી દીધો છે. આ લોકશાહીની મોટી જીત છે. ભારત હવે બદલાઈ ચૂક્યું છે. જનતા બધું સમજે છે. માત્ર કેમ્પેઈન ચલાવવાથી હકીકત બદલાતી નથી, લોકોનો ભરોસો સરકાર પરથી ઘટી રહ્યો છે. સરકાર ૨૦૨૩માં પસાર થયેલું મહિલા અનામત બિલ તાત્કાલિક લાગુ કરે જેથી મહિલાઓને સાચું પ્રતિનિધિત્વ મળી શકે.

મહિલા અનામત મુદ્દે પ્રિયંકા ગાંધીનો પડકાર સોમવારે જ જૂનું બિલ લાવો, અમે સાથ આપીશું

મહિલા અનામત બિલને લઈને સર્જાયેલા રાજકીય ગતિરોધ વચ્ચે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. લોકસભાના વિશેષ સત્રમાં બંધારણ(૧૩૧મો સુધારો) બિલ, ૨૦૨૬ પસાર ન થઈ શકતા દેશભરમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. આ સ્થિતિમાં દિલ્હીમાં એક વિશેષ બ્રીફિંગ દરમિયાન પ્રિયંકા ગાંધીએ સરકારને ખુલ્લો પડકાર ફેંકતા માગ કરી છે કે, સરકાર સોમવારે જ એ જૂનું મહિલા અનામત બિલ ફરીથી સંસદમાં રજૂ કરે જેને અગાઉ તમામ પક્ષોએ વ્યાપક સમર્થન આપ્યું હતું. હાલમાં સત્તાપક્ષ અને વિપક્ષ આ મુદ્દે સામસામે આવી ગયા છે, જેના કારણે દેશમાં મહિલા અનામતને લઈને એક નવું રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. મીડિયા સાથે વાત કરતા પ્રિયંકા ગાંધીએ પડકાર ફેંક્યો કે, સોમવારે જ સંસદ બોલાવો અને જૂનું બિલ રજૂ કરો, પછી જુઓ કે કોણ મહિલા વિરોધી છે. અમે સૌ તમને વોટ આપીશું અને સમર્થન કરીશું. વિપક્ષી સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ હવે આ મુદ્દે પીએમ મોદીને પત્ર લખવાનો ર્નિણય કર્યો છે. સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નક્કી થયું છે કે વિપક્ષ દેશભરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જનતાને જણાવશે કે તેઓ અનામતના પક્ષમાં જ છે, પરંતુ સરકાર આ બિલની આડમાં દેશનો રાજકીય નકશો બદલવા માંગતી હતી. પ્રિયંકા ગાંધીએ સરકારની દાનત પર સવાલ ઉઠાવતા કહ્યું કે, અનામત એ મહિલાઓનો અધિકાર છે અને વડાપ્રધાને તેને વસ્તી ગણતરી તથા સીમાંકન સાથે જાેડીને પોતાને મહિલાઓના મસીહા તરીકે રજૂ કરવાનો જે ખોખલો પ્રયાસ કર્યો હતો, તે આજે નિષ્ફળ રહ્યો છે. આજે વિપક્ષે એકતા બતાવીને લોકશાહીનું રક્ષણ કર્યું છે. જાે આ બિલ પસાર થઈ ગયા હોત, તો દેશમાં લોકશાહીના અસ્તિત્વ પર જાેખમ આવી શકે તેમ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution