લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, મે 2026 |
1782
અમદાવાદ શહેરની ટ્રાફિક વ્યવસ્થામાં કરોડરજ્જુ સમાન ગણાતા સુભાષ બ્રિજના નવીનીકરણની કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં રહેલા અને જર્જરિત જાહેર કરાયેલા બ્રિજના જાેખમી સ્પાનને તોડવાની પ્રક્રિયા તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. સાબરમતી નદી પરના આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને પગલે હાલ નદીના પટમાંથી પાણી ખાલી કરી દેવાયું છે. જેથી મશીનરી દ્વારા હેવી ડ્યુટી કામગીરી નિર્વિધ્ને પાર પાડી શકાય. તંત્ર દ્વારા અત્યાધુનિક મશીનરીનો ઉપયોગ કરીને બ્રિજના એ હિસ્સાઓને દૂર કરવામાં આવી રહ્યા છે જે માળખાકીય રીતે જાેખમી સાબિત થયા હતા. હયાત બ્રિજનું સ્ટ્રક્ચર મજબૂત કરવું એ એન્જિનિયરો માટે એક પડકાર સમાન છે, પરંતુ તંત્રનો દાવો છે કે આગામી જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં રિપેરિંગ અને નવીનીકરણની આ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે. સુરક્ષાના કારણોસર હાલમાં આ વિસ્તારમાં ટ્રાફિક ડાયવર્ઝન અને સાવચેતીના તમામ પગલાં લેવામાં આવ્યા છે. સુભાષ બ્રિજ પ્રોજેક્ટ માત્ર મરામત પૂરતો સીમિત નથી. શહેરની વધતી જતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને, હયાત બ્રિજની બંને બાજુએ નવા બે-બે લેનવાળા સમાંતર બ્રિજ બનાવવાનું આયોજન છે. આ સમગ્ર પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹૨૩૫ થી ₹૨૪૦ કરોડ જેટલો આંકવામાં આવ્યો છે. એકવાર આ કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ, સુભાષ બ્રિજ કુલ આઠ લેનનો બની જશે. સાબરમતીના પશ્ચિમ અને પૂર્વીય કાંઠાને જાેડતા આ બ્રિજ પર વાહનોનું ભારે ભારણ રહે છે. આઠ લેનનો આ નવો બ્રિજ તૈયાર થવાથી આર.ટી.ઓ. સર્કલ અને સાબરમતી વિસ્તાર તરફ જતા વાહનચાલકોને પીક અવર્સમાં નડતી ટ્રાફિક જામની સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે. તંત્ર આ પ્રોજેક્ટને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે કટિબદ્ધ દેખાઈ રહ્યું છે. જે અમદાવાદની આધુનિક માળખાકીય સુવિધાઓમાં એક નવું ઘરેણું ઉમેરશે.