લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, જાન્યુઆરી 2025 |
હ્લલ્પના ગાંધી |
10098
“સત્યમ્ શિવમ્ સુંદરમ્” એ ભારતીય જીવનમૂલ્યોનો પાયો છે, જેમાં સત્ય એ જીવનનો પ્રકાશ છે, શિવ એ કલ્યાણ છે અને સુંદરમ્ એ આંતરિક સૌંદર્યને જીવવાની કલા છે. આ નવા વર્ષમાં આ મૂલ્યોને વધુ નિષ્ઠાથી અપનાવીએ. જેથી જીવનમાં સત્યનો આધાર, શિવસ્વરૂપ કલ્યાણ અને સુંદરમ્નો પ્રેમ ઝળહળી ઉઠે.
સત્ય એ સમગ્ર સૃષ્ટિનો આધાર છે, જે દરેક જીવના હ્ય્દયમાં પ્રગટ થતી દિવ્ય તેજસ્વી શક્તિ છે. તે કોઈ અભ્યાસક્રમ નથી, તે તો અનુભવનો વિષય છે.
સત્ય જીવનનો તેજસ્વી સૂર્ય છે, જે અજ્ઞાનના અંધકારને વિસર્જિત કરે છે. જાે આપણે સત્ય સાથે જીવન જીવીએ, તો શાંતિ અને સમાધાન આપોઆપ મળી રહે. મહાત્મા ગાંધીએ કહ્યું છે, “સત્ય એ દેવ છે, અને દેવને પામવાનો માર્ગ સત્યમાં છે.” સત્ય આપણા વિચારોમાં જ નહીં, પરંતુ આપણા વર્તનમાં પણ હોવું જાેઇએ. ગાંધીજીએ તો “સત્યના પ્રયોગો”ના નામે જ આત્મકથા લખી!
સનાતન ધર્મના ગ્રંથોમાં પણ સત્યને પરમ ધર્મ માનવામાં આવે છે. મહાભારતમાં કહેવામાં આવ્યું છે, “સત્યમેવ જયતે,” એટલે કે સત્યનો હંમેશા વિજય થાય છે. સત્ય એ પરમાત્માનું સ્વરૂપ છે, અને તેને અનુસરણ કરનારને ભયનો છાંયો પણ નથી રહેતો. શરીરના સાત યૌગિક ચક્રોમાં ગળામાં આવેલ વિશુદ્ધિ ચક્રનો વિકાસ સત્યના પંથે ચાલવાથી થાય છે એટલે કે સત્ય એ જ દેવતાનો માર્ગ છે. ગીતામાં સત્ય દેવતાઓની સંપત્તિ ગણાઇ છે.
સત્ય આપણાં વર્તન, વિચાર, અને જીવનમાં હોવું જાેઈએ. ગૌતમ બુદ્ધે કહ્યું છે, “સત્ય એ માત્ર શબ્દોમાં નહીં, પરંતુ કાર્યોમાં જીવવું પડે.” ભલે નાનું હોય કે મોટું, સત્ય હંમેશાં કાળની કસોટી પર ખરું ઉતરે છે. સત્ય માનવીને અનંત શાંતિ અને આનંદ તરફ લઈ જતો માર્ગ છે. સત્ય બોલનારને યાદ નથી રાખવું પડતું કે તેણે શું અને કોને કહેલું!
આ સૂત્રમાં બીજું છે તે, શિવમ્ એ સનાતન ધર્મમાં કલ્યાણ અને પવિત્રતાનંં પ્રતિનિધિ છે. “શિવ” માત્ર એક દેવતાનું નામ નથી, તે સર્વત્ર કલ્યાણની ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે. શિવમ્ એ જીવનમાં પવિત્રતા, માંગલ્ય, અને આદર્શનો માર્ગ છે, જે માનવીને સુખ અને શાંતિ તરફ લઈ જાય છે.
શિવમ્ એ આ જગતના કલ્યાણ અને શાંતિ માટેની શક્તિ છે. જીવનમાં જ્યારે શિવત્વ સ્થાપિત થાય છે, ત્યારે મનુષ્યના બધા દૂષણો, કષ્ટો, દુઃખો વિગેરે દૂર થાય છે. શિવમ્ એ નિઃસ્વાર્થ અને પાવન જીવનનું માર્ગદર્શક તત્વ છે.
સનાતન સાહિત્યમાં “શિવમ્”ને શુભ અને મંગલરૂપ બતાવતા શ્લોકો છે. શિવ સંહિતામાં આ દર્શાવતી એક મંત્રાવલી છેઃ
ॐ त्र्यम्बकंयजामहे सुगन्धिंपुष्टिवर्धनम्।
उर्वारुकमिवबन्धनान्मृत्योर्मुक्षीयमाऽमृतात्॥
અર્થાત અમે ત્ર્યંબક(શિવ)નું પૂજન કરીએ છીએ, જે સુગંધિત અને પોષણકર્તા છે. જેમ ફળના ડાંઠલાંથી પાકેલું ફળ આપમેળે છૂટી જાય છે, તેમ અમારું બંધન છૂટી જાય એટલે મૃત્યુની આધિનતા મટી જાય અને અમૃત સ્થાયી થઇ જાય.
આ શ્લોક શિવમ્ માટેનું આદર્શ સ્વરૂપ પ્રગટ કરે છે, જે અખંડ સુખ અને શાંતિ તરફ લઈ જનાર છે.
આ સૂત્રનો ત્રીજાે શબ્દ છે, સુંદરમ્ જે સૌંદર્યનું પ્રતિનિધિત્વ કરે છે, જે ફક્ત ભૌતિક નહીં, પણ આત્મિક અને આધ્યાત્મિક સ્તરે સુંદરતાની વાત કરે છે. સૌંદર્ય એ આદર્શ ગુણો, પવિત્રતા અને કરુણા તથા પ્રેમમાં વિલીન છે. જીવનમાં સાચું સુંદરમ્ ત્યારે ફૂટે છે જ્યારે મન, વાણી અને વ્યવહારમાં, શાંતિ અને સમાધાન હોય છે, સમસ્યા નહીં.
સંસ્કૃતના એક શ્લોકમાં સુંદરતા વિશે આમ કહેવામાં આવ્યું છેઃ
रूपयौवनसम्पन्नाविशुद्धाःसर्वदेहिनाम्।
अहिंसासत्यवक्त्रत्वंसुंदरंतद्विनिश्चयः॥
સાચું સૌંદર્ય તે છે, જે રૂપ અને યુવાનીથી વિમુક્ત છે, તેમજ તમામ જીવોમાં પવિત્રતા, અહિંસા અને સત્યનું જીવન અપનાવવું એ જ સત્ય સ્વરૂપ સાચું સુંદરમ્ છે.
તો સુંદરમ્ એ માત્ર દૈહિક વાત નથી. આજે આખો બ્યૂટી ઉદ્યોગ વકર્યો છે. ભારતીય સનાતન સંસ્કૃતિના પાયામાં સુંદરમ્ એ ભીતરની ગુણસંપદા છે. કદાચ એટલે જ કોઇ બાળકને પોતાની મા કુરુપ લાગતી નથી. કારણ કે તે પ્રેમભરી આંખે જનનીને જૂએ છે. આમ પણ સૌંદર્ય દ્રશ્ય કરતા દ્રષ્ટિમાં વધારે હોય છે..!
આ “સત્યમ્ શિવમ ્સુંદરમ્”નું મહાન સૂત્ર જીવનનો દિવ્ય માર્ગ છે, જ્યાં સત્યથી ઉજાસ, શિવથી કલ્યાણ અને સુંદરમ્થી આત્મિક સૌંદર્ય પ્રસરે છે. આ નવા વર્ષમાં આ આદર્શોને હ્ય્દયમાં સજાવી, જિંદગીને મંગલ ભાવના અને અનંત સૌંદર્યથી છલકાવીએ.
જેથી આ જગત રહેવા માટે હજુ વધુ ખૂબસૂરત જગ્યા બને. આમ પણ ૨૦૨૫ એ મૂલાંક ૯ એટલે કે મંગળ ગ્રહનું કારક છે, જેને પ્રિય છે, સામાજિક સેવા અર્થાત્ લોકોનું ને સ્વયંનું કલ્યાણ. સત્ય હી શિવ હૈ, શિવ હી સુંદર હૈ, સુંદર હી સત્ય હૈ, એમ જાણીએ અને આગળના જીવનને માણીએ.
-ઃ ઠ ફેક્ટર ઃ-
સત્ય છે સાચો જીવનનો મારગ!
શિવ છે ખરો કલ્યાણનો કારક!!
સુંદરમ્ છે મીઠું બ્રહ્માંડનું ગાન,
દરેક ક્ષણમાં એ સુખનો ધારક!!!