યુવક ઉપર લોખંડના પાઈપથી ૧૫ ફટકા માર્યાં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, જુલાઈ 2026  |   2376

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા રાધે ચેમ્બરના પાર્કિંગમાં એક યુવક પર જાહેરમાં બેફામ હુમલો થયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આસપાસ મોટી સંખ્યામાં લોકોનું ટોળું હાજર હોવા છતાં, એક શખસે સની નામના યુવકને પકડી રાખ્યો હતો અને યુવતીના પૂર્વ પ્રેમીએ લોખંડની પાઈપથી ર્નિદયતાથી હુમલો કર્યો હતો.ઇજાગ્રસ્ત સનીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસનો ડર ઓછો થયો હોય તેમ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે.હુમલા પાછળ પ્રેમ સંબંધની અદાવત હોવાનું સામે આવ્યું છે. વસ્ત્રાલમાં રહેતો સની પાડોશમાં રહેતી એક યુવતી સાથે છેલ્લા એક મહિનાથી પ્રેમ સંબંધમાં છે અને બંનેના લગ્નની વાતચીત ચાલી રહી છે. જાે કે, પાંચ વર્ષ પહેલાં આ યુવતી કીર્તિ પરમાર નામના યુવકના સંપર્કમાં હતી અને તેની સાથે લગ્ન કરવાની હતી, પરંતુ કોઈ કારણોસર યુવતીએ તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો. આ અદાવત મનમાં રાખીને કીર્તિ પરમારે આ હુમલાનું કાવતરું ઘડ્યું હતું. ઘટના બન્યાના દિવસે સન્નીની પ્રેમિકાએ ફોન કરીને તેના મિત્રના ત્યાં જમવા જવાનું છે તેમ કહ્યું હતું. જેથી રાત્રે વસ્ત્રાલના રાધે ચેમ્બરના પાર્કિંગમાં આવ્યા હતા અને ત્યાંથી તેઓ સિંગરવા ખાતે જમવા માટે ગયા હતા. તેઓ જમીને પરત આવ્યા હતા અને રાધે ચેમ્બરના પાર્કિંગમાંથી એકટીવા લેવા જતા અચાનક જ યુવતીનો પૂર્વ પ્રેમી કિર્તી પરમાર અને બીજા બે શખસ આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે તું કેમ આ યુવતી સાથે વાતચીત કરે છે અને મારામારી કરી હતી.એક યુવકએ સન્નીને પકડી રાખ્યો હતો અને યુવતીનો પૂર્વ પ્રેમી કિર્તી હાથમાં લોખંડની પાઈપથી માર મારવા લાગ્યો હતો. જાેરદાર રીતે લોખંડની પાઈપના ૧૦થી ૧૫ ફટકા હાથ અને પગમાં માર્યાં હતા. એટલું જ નહીં જાે હવે વાતચીત કરીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી પણ આપી હતી. આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. લોકો ઉભા હોવા છતાં પણ લોખંડની સ્ટીકથી બેફામ માર માર્યો હતો. યુવકને એકટીવા પાસે પણ રાખી માર્યો હતો. માર માર્યા બાદ ત્રણે જતા રહ્યા હતા. ઈજાગ્રસ્ત યુવકને લોકોએ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રામોલ પોલીસે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution