ઉકાઇ પાવરસ્ટેશન ખોટકાતાં દ.ગુજરાતમાં બ્લેકઆઉટ


સુરત:આજે સીઝનનાં સૌથી ગરમ દિવસે ભરબપોરે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજળીની ક્રાઇસીસ સર્જાઇ હતી. વીજ સપ્લાયનું મુખ્ય કેન્દ્ર જ્યાં આવેલું છે એ ઉકાઇ પાવર સ્ટેશન ઓવરલોડને કારણે ખોટકાઇ પડ્યું હતું જેને કારણે પળવારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની (ડીજીવીસીએલ)નાં વીજ સપ્લાય નેટવર્કમાં આવેલા ૩૨ લાખ ૩૭ હજાર જેટલા વીજ કનેકશનોમાં પાવર સપ્લાય બંધ થઇ ગયો હતો. આવો મેજર શટડાઉન અગાઉ ક્યારે સર્જાયું ન હતું. આજના મેજર ફોલ્ટ કહો કે શટડાઉનની અસર દક્ષિણ ગુજરાતનાં સાતેય જિલ્લાઓમાં આવેલા ૪૫ તાલુકાઓનાં ૨૩ જેટલા નાના મોટા શહેરો તેમજ ૩૪૬૧ જેટલા ગામડાઓમાં ભરબપોરે વીજળી પ્રવાહ ખોરવાઇ જતાં લાખો લોકોનાં જનજીવનને ઘેરી અસર પહોંચી હતી. સૌથી વધુ માઠી અસર રેલવે વ્યવહાર, હોસ્પિટલોનાં આઇ.સી.યુ., ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ તેમજ બેંકોનાં કામકાજ પર અસર વર્તાતા લાખો લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. વીજળી પ્રવાહ ખોરવાઇ જતા ડીજીવીસીએલનાં મુખ્ય મથક તેમજ ટોરન્ટ કંપનીની ઓફિસો પર લોકોએ મોરચો માંડીને ઉગ્ર રજૂઆતો કરી હતી. બપોરે ચાર વાગ્યાનાં અરસામાં બનેલી આ ઘટના બાદ વીજ પુરવઠો પૂર્વવત થતાં કમ સે કમ રાત્રે ૧૧થી ૧૨ વાગી જાય તેવું ડીજીવીસીએલનાં અધિકારીઓએ જણાવ્યું હતું.

દક્ષિણ ગુજરાતમાં આજે બુધવારે બપોરે અભૂતપૂર્વ વીજ કટોકટી સર્જાવા પામી હતી જેને લઇને કમસેકમ એક કરોડથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા હોવાનો પ્રાથમિક અંદાજ માંડવામાં આવી રહ્યો છે. આજે સીઝનનો સૌથી ગરમ દિવસ હોઇ, દક્ષિણ ગુજરાતમાં ઓફિસ હોય કે ઘરો તમામ સ્થળોએ એરકન્ડીશન્ડ મશીનો શરૂ થઇ ગયા હતા અને ક્ષમતા બહાર પાવર લોડ લેવાતા ઉકાઈ સ્થિત ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશનનાં પ્લાન્ટનાં તમામ યુનિટમાં મેજર ફોલ્ટ સર્જાયો હતો અને તેને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજળી પ્રવાહ અચોક્કસ મુદત માટે ખોરવાઇ જવા પામ્યો હતો. સુરત, નવસારી, ભરૂચ, વલસાડ જિલ્લાનાં વીજકંપનીની કચેરીઓ પર લોકોએ જઇને તપાસ કરતા તમામ સ્થળેથી ઉકાઈ પાવર પ્લાન્ટ બેસી જવાથી આખા દક્ષિણ ગુજરાતમાં વીજળી બંધ થઈ છે. ટોરેન્ટ અને અદાણીનો પાવર સપ્લાય પણ સ્થગિત થઈ ગયો હોવાની માહિતી લોકોને આપવા માંડી હતી.

વીજળી પ્રવાહ ખોરવાઇ જતાં આજે સૌથી મોટી અસર રેલવે વ્યવહાર પર પડવા પામી હતી જાેકે વૈકલ્પિક વ્યવસ્થા તુરંત કરીને મોટા ભાગની ટ્રેનોની અવરજવર રાબેતા મુજબ કરી દેવામાં આવી હતી. એ પછી સૌથી વધુ અસર સુરત શહેર અને જિલ્લામાં આવેલા મેન્યુફેક્ચરિંગ યુનિટો પર પડી હતી. ટેક્સ્ટાઇલ્સ, કેમિકલ્સ, ડાઇંગ પ્રોસેસિંગ મિલ્સથી લઇને જુદી જુદી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ફેક્ટરીઓ, કારખાનાઓ, મિલોમાં ઉત્પાદન ઠપ થઇ ગયું હતું અને કામદારો યુનિટોમાંથી રસ્તા પર આવી ગયા હતા. એવી જ રીતે ઇન્ટરનેટ સપ્લાય ખોરવાય જવાના કારણે બેંકીંગના વ્યવહારોને પણ ઘેરી અસર પહોંચી હતી. ઓફિસોમાં વાઇફાઇ ખોરવાતા કર્મચારીઓએ પોતાના મોબાઇલ હોટસ્પોટથી ઇન્ટરનેટ મેળવીને કામ કરવું પડ્યું હતું.

વીજ પ્રવાહની ઘેરી અસર હાઇરાઇઝ એપાર્ટમેન્ટો પર પડી હતી. ત્રીજામાળથી પંદરમાં માળે રહેતા લોકોને લીફ્ટનાં અભાવે દાદરથી ચઢવા ઉતરવાની ફરજ પડી હતી. અનેક એપાર્ટમેન્ટોમાં જનરેટર સેટ હતા પરંતુ, વીજ સપ્લાય ખોરવાશે તેવી અપેક્ષા ન હોવાથી જનરેટર સેટ વર્કિંગ કન્ડીશનમાં ન હતા અને તેના કારણે લીફ્ટ કે અન્ય આવશ્યક સેવાઓ ખોરવાઇ જવા પામી હતી.

પાવર ફેલ્યોરને કારણે ૭ ટ્રેનો મોડી પડી

• ૨૨૯૪૯ બાંદ્રા - દિલ્હી સરાઈ રોહિલા ૨૧ મિનિટ

• ૧૨૨૧૬ ગરીબ રથ ૨૬ મિનિટ

• ૧૨૯૩૩ કર્ણાવતી ૧૧ મિનિટ

• ૦૯૦૩૫ બાંદ્રા - બિકાનેર ૬૦ મિનિટ

• ૧૨૯૨૫ પશ્ચિમ એક્સપ્રેસ ૨૩ મિનિટ

• ૦૯૦૨૧ ઉધના - દાનાપુર ૧૪ મિનિટ

• ૨૨૯૧૭ હાવડા ૨૦ મિનિટ

ઉનાળાના આરંભે વીજપ્રવાહ ખોટકાતાં લોકો મગજનો કરંટ ખોઇ બેઠાં, વીજકંપનીની કચેરીએ ગ્રાહકોનો હલ્લાબોલ

ભરબપોરે વીજળી પ્રવાહ ખોરવાઇ જતા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતનાં રહેવાસીઓમાં ભારે આક્રોશ વ્યાપ્યો હતો. આજે એકાએક વીજળી ડૂલ થઇ જતા લોકો ગરમીમાં ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. તેમાં પણ હેલ્પલાઇન નંબરો પરથી સરખા જવાબ ન મળતા ડીજીવીસીએલ અને ટોરન્ટ પાવરની કચેરીઓ પર જઇને લોકોએ ભારે હલ્લાબોલ મચાવી મૂક્યો હતો. ટોરન્ટ પાવરની ઓફિસે ધસી ગયેલાં હીરાઉદ્યોગકારોને સમજાવવામાં કંપનીનાં અધિકારીઓને નવ નેજા પાણી આવી ગયાં હતાં. હીરાઉદ્યોગકારોનાં મશિનો ખોટકાઇ ગયાં હતાં.

૯૫૦૦ મેગાવોટ સપ્લાય સિસ્ટમમાંથી જતો રહ્યો

બપોરના લગભગ ૨.૫૦ કલાકે ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વિદ્યુત ગ્રીડમાં ફોલ્ટ સર્જાયો હતો. જેના કારણે મોટી માત્રામાં વોલ્ટેજ ડ્રોપ થતાં લોડ તેને ખમી શક્યો ન હતો. મહારાષ્ટ્રમાંથી અંદાજે ૫૦૦૦ મેગાવોટ અને દક્ષિણ ગુજરાતમાંથી લગભગ ૪૫૦૦ મેગાવોટ સપ્લાય સિસ્ટમમાંથી જતો રહ્યો હતો. લોડ અચાનક જતો રહેતા ટ્રાન્સમીશન લાઇન અને પાવર પ્લાન્ટ પ્રભાવીત થયા અને ટ્રીપ થઇ ગયા હતા. ખાસ કરીને મહારાષ્ટ્રનો તારાપુર તેમજ ગુજરાતના કાકરાપાર, ઉકાઉ અને એસએલપીપી પાવર પ્લાન્ટ ટ્રીપ થયા હતા. જે પરિસ્થિતીને પહોંચી વળવા માટે એસએલડીસીના કર્મચારીઓની ટીમ કામે લાગી હતી. જેમના દ્વારા માત્ર ૯૦ મિનિટમાં ૫૦ ટકા જ્યારે સાંજે સાત વાગ્યા સુધીમાં સંપૂર્ણ સિસ્ટમ કાર્યરત કરી દેવામાં આવી હતી.

• ઉપેન્દ્ર પાંડે, એમડી, જેટકો

ઉકાઈ ટીપીએસના ૪ યુનિટ ટ્રીપ થયા : મેજર ફોલ્ટ પછી મેસેજ ડીજીવીસીએલના ઇનરસર્કલમાં ફરતો થયો

જેટકો અને એલએમયુ તરફથી મળેલી માહિતી અનુસાર ઉકાઈ ટીપીએસનાં ૪ યુનિટ આજે બપોરે ટ્રીપ થઇ ગયા હતા. જેના કારણે ૫૦૦ મેગાવોટ જેટલું વીજળી ઉત્પાદન ઘટી ગયું હતું. ટેકનિકલ ભાષામાં અધિકારીઓએ એક બીજાને એવા મેસેજ કર્યા હતા કે ડીજીવીસીએલ હેઠળના વિવિધ એસએસ પર શૂન્ય પાવર લોડ ઘટાડવા અને સીસ્ટમને બ્લેક આઉટ થતી અટકાવવાનો પ્રયાસ કાર્યરત છે. એસએલડીસી સીસ્ટમને પુન:સ્થાપિત કરવા માટે સુધારાત્મક પગલાં લેવાઇ રહ્યાં છે. આ કામગીરીમાં કમસેકમ ૬થી ૮ કલાક જેટલો સમય નીકળી જાય તેમ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution