લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, જુન 2026 |
2475
રાજ્યમાં આ વર્ષે ઉનાળાની આકરી ગરમી સાથે પાણીની સમસ્યા પણ ગંભીર બની રહી છે. વધતા તાપમાન અને ઘટતા ભૂગર્ભ જળસ્તરને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની અછત સર્જાઈ છે. પરિસ્થિતિ એવી બની છે કે છેલ્લા બે દિવસમાં રાજ્યના ૭ જિલ્લાઓના ૧૨૩ ગામોમાં લોકોને પીવાનું પાણી પહોંચાડવા માટે વહીવટી તંત્રને ટેન્કરોનો સહારો લેવો પડ્યો છે. પાણી પુરવઠા વિભાગના આંકડા મુજબ પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા ગામોમાં પાણી પહોંચાડવા માટે કુલ ૯૬ ટેન્કરો કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં ૭ સરકારી અને ૮૯ ખાનગી ટેન્કરોનો સમાવેશ થાય છે. છેલ્લા બે દિવસ દરમિયાન આ ટેન્કરો દ્વારા ૩૬૯ ફેરા મારવામાં આવ્યા છે અને હજારો લોકોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. પાણીની સૌથી વધુ ગંભીર સ્થિતિ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ અને દાંતા તાલુકામાં જાેવા મળી રહી છે. અહીં પાણી પહોંચાડવા માટે સૌથી વધુ ફેરા મારવામાં આવ્યા છે. આ ઉપરાંત કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર અને પાલીતાણા સહિતના વિસ્તારોમાં પણ પાણીની અછતને પહોંચી વળવા તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં જળાશયોની સ્થિતિ પણ ચિંતાજનક બની રહી છે. કચ્છ અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં પાણીનો સંગ્રહ પ્રમાણમાં ઓછો નોંધાઈ રહ્યો છે. કચ્છમાં જળાશયોની ભરાવ ક્ષમતા ૩૦ ટકાથી પણ ઓછી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ પાણીનો જથ્થો મર્યાદિત રહ્યો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સ્થિતિ પ્રમાણમાં સારી હોવા છતાં પાણીના સંચાલન પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.