૬ મેડિકલ વિદ્યાર્થીઓ સસ્પેન્ડ કરાયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, જુન 2026  |   891

ભાવનગરની સર ટી હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજમાં સામે આવેલા રેગિંગ કેસમાં એન્ટી રેગિંગ કમિટીએ કડક કાર્યવાહી કરતાં ૬ વિદ્યાર્થીઓને દોષિત જાહેર કર્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને ૬ મહિનાથી લઈને ૨ વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવા અને શૈક્ષણિક તેમજ હોસ્પિટલની પ્રવૃત્તિઓથી દૂર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. કોલેજ તંત્ર દ્વારા તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. આ મામલે મેડિકલ કોલેજના ડીન ડૉ. ચિન્મય શાહે જણાવ્યું કે, એન્ટી રેગિંગ કમિટીની બેઠક લગભગ સાડા આઠ કલાક સુધી ચાલી હતી. બેઠક દરમિયાન પીડિત વિદ્યાર્થીઓ, આરોપી વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફના નિવેદનો લેવામાં આવ્યા હતા. બંને પક્ષને પોતાની રજૂઆત માટે ત્રણ વખત તક આપવામાં આવી હતી જેથી કોઈ નિર્દોષ વ્યક્તિ સામે અન્યાય ન થાય.

તપાસ દરમિયાન પ્રાપ્ત થયેલા નિવેદનો અને દસ્તાવેજી પુરાવાના આધારે કમિટીએ ૬ વિદ્યાર્થીઓને રેગિંગ માટે જવાબદાર ઠેરવ્યા હતા. જેમાં એક વિદ્યાર્થીને ૨ વર્ષ, ત્રણ વિદ્યાર્થીઓને ૧ વર્ષ અને બે વિદ્યાર્થીઓને ૬ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્શન દરમિયાન તેઓ કોઈ શૈક્ષણિક, ક્લિનિકલ અથવા હોસ્પિટલ સંબંધિત પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં.

આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો હતો જ્યારે ઓર્થોપેડિક વિભાગના પ્રથમ વર્ષના ૧૩ જુનિયર વિદ્યાર્થીઓએ ૬ સિનિયર વિદ્યાર્થીઓ સામે લેખિત ફરિયાદ કરી હતી. ફરિયાદમાં આરોપ મૂકાયો હતો કે સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર પાસેથી પૈસા પડાવતા હતા, તેમને મુર્ગા બનાવતા હતા અને વિવિધ પ્રકારનો માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા હતા. પીડિત વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, કેટલાક સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા લાંબા સમય સુધી અમાનવીય વર્તન કરવામાં આવતું હતું. જેમાં પૈસાની માંગણી, દારૂની બોટલો મંગાવવી, જમવા અને આરામનો સમય ન આપવો, કલાકો સુધી ઉભા રાખવા અને અન્ય પ્રકારની કઠોર સજાઓ આપવાનો સમાવેશ થતો હતો. આ ત્રાસથી કંટાળીને વિદ્યાર્થીઓએ અંતે કોલેજ તંત્ર સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે ભાવનગર મેડિકલ કોલેજમાં અગાઉ પણ રેગિંગના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. માર્ચ ૨૦૨૫માં પણ કેટલાક સિનિયર વિદ્યાર્થીઓ સામે જુનિયર વિદ્યાર્થીઓ સાથે મારપીટ અને ધમકી આપવાના આરોપો લાગ્યા હતા. ઉપરાંત વર્ષ ૨૦૨૩માં પણ એક રેસિડેન્ટ ડોક્ટર સામે જુનિયર વિદ્યાર્થીના શોષણનો ગંભીર કેસ નોંધાયો હતો. તાજેતરમાં અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં પણ રેગિંગનો મામલો સામે આવ્યો હતો, જેમાં ત્રણ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઘટનાઓને પગલે રાજ્યની મેડિકલ કોલેજાેમાં એન્ટી રેગિંગ નિયમોના કડક અમલની માંગ ઉઠી રહી છે.ભાવનગરના આ કેસમાં હવે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરાશે અને દોષિત વિદ્યાર્થીઓ સામે વધુ કડક પગલાં લેવામાં આવી શકે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution