18, ઓગ્સ્ટ 2025
જમ્મું |
2376 |
મંડીમાં આભ ફાટતા ભારે તારાજીથી અનેક મકાનોને નુકસાન
હિમાચલમાં ચોમાસામાં મૃત્યુ પામેલાની સંખ્યા વધીને ૨૬૧ને પાર
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં ભારે વરસાદ સાથે ઘાટી વિસ્તારમાં વાદળ ફાટવાને કારણે અનેક મકાનો કાટમાળમાં દટાઇ ગયા હતા. જમ્મુ પઠાણકોટ નેશનલ હાઇવેને પણ ભારે નુકસાન થયું છે. વિવિધ ઘટનાઓમાં કુલ સાત લોકોના મોત નિપજ્યા છે જેમાં પાંચ લોકો સગીર વયના છે. અનેક લોકો ઘાયલ પણ થયા છે. બીજી તરફ હિમાચલના મંડીમા પણ વાદળ ફાટવાની ઘટના સામે આવી છે.
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં રવિવારે વાદળ ફાટવાની ઘટનાથી અચાનક જ પૂર આવ્યું હતું સાથે ભુસ્ખલન થતા અનેક મકાનો દટાયા છે, ત્રણ દિવસ પહેલા જ કિશ્તવાડમાં વાદળ ફાટયું હતું ત્યારે હવે કઠુઆમાં વાદળ ફાટવાની ઘટનાને પગલે જનજીવનને ગંભીર અસર પહોંચી હતી. કઠુઆનો રેલવે ટ્રેક, હાઇવે અને કઠુઆ પોલીસ સ્ટેશન સહિતના જાહેર સ્થળો નાશ પામ્યા છે. કુલ સાત લોકોના મોતના પ્રાથમિક અહેવાલો છે, જોકે અનેક લોકો કાટમાળમાં દટાયા હોવાની શંકાને કારણે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવાઇ રહ્યું છે. જે પણ લોકો માર્યા ગયા છે તેમના મૃતદેહ કાટમાળમાંથી બહાર કઢાયા છે જોકે તેમની ઓળખ કરવી મુશ્કેલ હોવાથી ડીએનએ ટેસ્ટની મદદ લેવામાં આવશે.
જ્યારે હિમાચલ પ્રદેશમાં આ ચોમાસામાં વરસાદની વિવિધ ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને ૨૬૧ને પાર પહોંચી ગયો છે.