લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, જુન 2026 |
1881
સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે EPFપર ૮.૨૫% વ્યાજદરને મંજૂરી આપી દીધી છે. આ આદેશ બાદ ચાલુ મહિનામાં જ દેશના ૭ કરોડથી વધુ સક્રિય સભ્યોના ખાતામાં વ્યાજની રકમ જમા થવાની પ્રબળ શક્યતા છે. EPFO દ્વારા નક્કી કરાયેલા વ્યાજદરને જ્યારે નાણાં મંત્રાલય અંતિમ મંજૂરી આપે છે, ત્યાર બાદ જ તે ગ્રાહકોના ખાતામાં ક્રેડિટ કરવામાં આવે છે.
સૂત્રે જણાવ્યું હતું કે, નાણાં મંત્રાલયે EPFOની સર્વોચ્ચ ર્નિણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) દ્વારા ભલામણ કરાયેલા ૮.૨૫% વ્યાજદરના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. આ અગાઉ, ૨ માર્ચ ૨૦૨૬ના રોજ કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી CBT બેઠકમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે વ્યાજદર ૮.૨૫% રાખવાનો ર્નિણય લેવાયો હતો. આ સતત ત્રીજું વર્ષ છે જ્યારે સરકારે વ્યાજદરમાં કોઈ ફેરફાર ન કરીને તેને સ્થિર રાખ્યો છે. ભારત સરકાર EPF ફંડ માટે ગેરન્ટર હોવાથી, CBT આ ર્નિણયને નાણાં મંત્રાલયની અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો. નાણાં મંત્રાલયે તમામ ટેકનિકલ અને નાણાકીય પાસાઓની તપાસ કર્યા બાદ આ પ્રસ્તાવ પર મહોર લગાવી દીધી છે. શ્રમ મંત્રાલયના નિર્દેશો અનુસાર, EPFO દ્વારા આ મહિનાના અંત સુધીમાં તમામ સબ્સ્ક્રાઇબર્સના ખાતામાં FY26 માટેનું વ્યાજ જમા કરી દેવામાં આવશે. વળી, EPFO દ્વારા વિકસાવવામાં આવેલી નવી આધુનિક સિસ્ટમના કારણે આ વખતે વ્યાજની રકમ સભ્યોના ખાતામાં કોઈ પણ વિલંબ વગર તરત જ ટ્રાન્સફર થઈ જશે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં,EPFO એ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે વ્યાજ દર ૮.૨૫ ટકા જાળવી રાખ્યો હતો. ૨૦૨૪ માં, EPFO એ ૨૦૨૩-૨૪ માટે વ્યાજ દરમાં થોડો વધારો કરીને ૮.૨૫ ટકા કર્યો હતો, જે ૨૦૨૨-૨૩ માં ૮.૧૫ ટકા હતો.