વેજલપુરના સ્વરિત એપાર્ટમેન્ટના પાંચમા માળે આગ લાગતા અફરાતફરી મચી
07, નવેમ્બર 2024 297   |  

અમદાવાદ, વેજલપુર વિસ્તારમાં શ્રીનંદનગર પાસે આવેલા સ્વરિત એપાર્ટમેન્ટમાં પાંચમાં માળે આવેલા મકાનમાં આજે ગુરુવારે સવારે આગ લાગવાની ઘટના બની હતી. ઘરમાં રહેલા પરિવારના ચાર સભ્યો આગ લાગવાના કારણે રૂમમાં ફસાય ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા પ્રહલાદ નગર અને થલતેજ ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ પાંચેય લોકોને સહી સલામત ઘરમાંથી બહાર કાઢ્યા હતા. આગમાં ઘરનું ફર્નિચર મળીને ખાખ થઈ ગયું હતું. લાઈટિંગ સિરીઝમાં કોઈ કારણોસર શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું હતું. ફાયર બ્રિગેડના ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખે જણાવ્યું હતું કે, વહેલી સવારે મકાનમાં ડ્રોઈંગ રૂમમાં મંદિર પાસે દિવાળીના કારણે જે લાઇટિંગ સિરીઝ લગાવી હતી તેમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. ઘરમાં બેડરૂમમાં ચાર લોકો સૂતા હતા જેઓ ખૂબ જ ગભરાય ગયા હતા. ધુમાડો આખા ઘરમાં ફેલાય ગયો હતો. ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી અને એક તરફ આગને કાબૂમાં લીધી તો બીજી તરફ ઘરમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમ સમયસર પહોંચી જતા તમામ લોકોને રેસ્ક્યૂ કરી લેવાયા હતા. ઘરનું ફર્નિચર અને રસોડાના ભાગને નુકસાન થયું હતું. ફાયરબ્રિગેડની ટીમને કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે, વેજલપુરમાં સ્વરીત એપાર્ટમેન્ટમાં પાંચમા માળે એક મકાનમાં આગ લાગી છે. આથી તાત્કાલિક પ્રહલાદનગર અને થલતેજ ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. ૪ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘરમાં પરિવારના પાંચ જેટલા સભ્યો અંદર જ ફસાયેલા હતા. આગ ડ્રોઈંગ રૂમથી બેડરૂમ સુધી પહોંચી ગઈ હતી. ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો તો બીજી તરફ જે પરિવારના લોકો ફસાયા હતા તેમને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી હતી.ફાયર બ્રિગેડના કર્મચારી અને અધિકારીએ ૧૫થી ૨૦ મિનિટમાં આગને કાબૂમાં લઈ લીધી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution