વલસાડનાં ધમડાચીમાં કલેક્ટરનાં હુકમ વિરુદ્ધ રહેણાંક જમીનમાં ફાયર સ્ટેશન બનાવી દીધંુ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, નવેમ્બર 2026  |   1782

વલસાડનાં ધમડાચી ખાતે બની રહેલાં જિલ્લા કક્ષાના મોડેલ ફાયર સ્ટેશનના નિર્માણમાં કલેક્ટરનાં સ્પષ્ટ આદેશો અને નિયમોને ધોઈને પી જવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ નગરપાલિકા કાયદા કમિટીના ચેરમેન નિતેશ એમ. વશી દ્વારા કરવામાં આવ્યો છે. સરકારી હુકમોની કાયદેસરની શરતોનું ઉલ્લંઘન કરી કરોડો રૂપિયાનું બાંધકામ ખડકી દેવાતા સ્થાનિક રાજકારણમાં અને વહિવટી બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. એટલું જ નહીં, પાલિકાની સામાન્ય સભામાં નકશામાં છેડછાડ કરનાર કબ્જેદાર સામે ફોજદારી કાર્યવાહી કરવાનો ર્નિણય લીધો હોવાં છતાં વહિવટી તંત્ર દ્વારા યોગ્ય ડગલાં ન ભરાતા અનેક શંકાઓ ઊભી થઈ છે.

મળતી માહિતી મુજબ, વલસાડ નગરપાલિકાનાં ધમડાચીમાં બની રહેલાં વિવાદસ્પદ મોડેલ ફાયર સ્ટેશન પ્રોજેક્ટ સામે પાલિકાના જ કાયદા સમિતિના અધ્યક્ષ નિતેશ વશીએ બાંયો ચડાવી છે. આ વિવાદાસ્પદ પ્રોજેક્ટ માટે કલેક્ટર, વલસાડના હુકમ અનુસાર, વલસાડ નગરપાલિકાને ધમડાચી ખાતે બે અલગ-અલગ હેતુ માટે જમીન ફાળવવામાં આવી હતી. જેમાં એક જમીન વાણિજ્ય (ફાયર સ્ટેશન) હેતુ માટે અને બીજી જમીન રહેણાંક (સ્ટાફ ક્વાર્ટર્સ) હેતુ માટેની હતી. કલેક્ટરના, જમીન જે હેતુ માટે ફાળવાઈ હોય તે જ હેતુ માટે વાપરવાની અને પૂર્વ મંજૂરી વિના હેતુફેર કે તબ્લિદ ન કરવાની શરતો છતાં નગરપાલિકાના સત્તાધીશોએ રહેણાંક હેતુ માટે ફાળવાયેલ જમીનમાં ફાયર સ્ટેશનનું ગેરકાયદેસર બાંધકામ શરૂ કરી દીધું છે, જે હાલ ૮૦% જેટલું પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારે, ફાયર સ્ટેશન માટે ફાળવાયેલી જમીન સંપૂર્ણપણે ખુલ્લી પડી છે.

નિયમ વિરુદ્ધના આ બાંધકામ માટે એજન્સી ભરત એન. હિરપરા (સુરત) ને ટેન્ડર આપવામાં આવ્યું હતું. ૩ મહિનાના સમયગાળા દરમિયાન આ ગેરકાયદેસર પ્રોજેક્ટ પાછળ રૂ. ૩,૯૪,૯૭,૯૯૮ જેટલી રકમ ચુકવી પણ દેવામાં આવી છે. આ આખી પ્રક્રિયામાં પ્રોજેક્ટના ઇન્ચાર્જ ઇજનેર તથા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર ક્રિશ્ના એજન્સી દ્વારા સરકાર, કલેક્ટર અને નગરપાલિકા વહિવટી તંત્રને જાણી જોઈને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ થાય છે. આ સમગ્ર મામલામાં લાગુ કબ્જેદાર ઉમેશ વાછાણી (અવસારી એગ્રોકેટ) દ્વારા ધમડાચીના નગરપાલિકાના મૂળ નકશામાં છેડછાડ કરી નગર નિયોજકની કચેરીમાં રજૂ કરવામાં આવ્યું છે. આ મામલે ગત ૩૦ ઓક્ટોબરની સામાન્ય સભામાં સર્વાનુમતે ફોજદારી કાર્યવાહી કરવાનો ર્નિણય લેવાયો હોવા છતાં વહિવટી તંત્ર દ્વારા યોગ્ય ડગલાં ન ભરાતા અનેક શંકાઓ ઊભી થઈ છે.

કાયદા કમિટીના ચેરમેન નિતેશ એમ. વશીએ ચીફ ઓફિસરને લેખિતમાં સ્પષ્ટ તાકીદ કરી છે કે, બાંધકામ કરનાર એજન્સી ભરત એન. હિરપરાને હવે પછીનું કોઈપણ નાણાકીય ચુકવણું તાત્કાલિક અટકાવવામાં આવે અને આ પ્રકરણમાં સંડોવાયેલા ઇન્ચાર્જ ઇજનેર અને ટીપીઆઈ એજન્સી સામે ઊંડાણપૂર્વક તપાસ કરી કડક કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેમજ ઓક્ટોબર માસની કારોબારી સમિતિ અને સામાન્ય સભાના એજન્ડા પર લીધેલા આ તમામ વિવાદાસ્પદ કામો સદંતર રદ કરવામાં આવે અને સભામાં આ સામે સખત વાંધો નોંધાવવામાં આવે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution