લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, નવેમ્બર 2026 |
2475
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારત પોતાની વધતી હવાઈ મુસાફરીની માગને પહોંચી વળવા માટે વધુ ૧,૦૦૦ સિવિલ એરક્રાફ્ટનો ઓર્ડર આપવા માટે તૈયાર છે. વિમાનોની સંખ્યા વધવાથી વિમાન ભાડું ઘટી શકે છે. તેમણે જણાવ્યું કે દેશ હાલમાં વિમાનોની ભારે અછતનો સામનો કરી રહ્યો છે અને કુલ જરૂરિયાત પૂરી કરવા માટે ભારતને ૨,૦૦૦થી વધુ વિમાનોની જરૂર પડશે. તેથી વિમાન બનાવતી કંપનીઓ સાથે ઝડપી અને સતત વાતચીત ચાલી રહી છે. બે દિવસની ઇજિપ્ત મુલાકાતે પહોંચેલા પીયૂષ ગોયલે આ માહિતી આપી હતી.
કેન્દ્રીય મંત્રીએ ભારત અને ઇજિપ્ત વચ્ચે એર કનેક્ટિવિટી વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે અમને વધુ એર કનેક્ટિવિટીની જરૂર છે... જેમ જ અમને વધુ વિમાનો મળશે, અમને વિશ્વાસ છે કે અમે ઇજિપ્ત માટે વધુ ફ્લાઇટ્સ શરૂ કરી શકીશું. પીયૂષ ગોયલ બંને દેશો વચ્ચેના વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી ઇજિપ્તની મુલાકાતે છે. હાલમાં ‘ઇજિપ્ટએર’ ભારત અને ઇજિપ્ત વચ્ચે સીધી ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા સિવિલ એવિએશન બજારોમાંનું એક છે. દેશમાં હવાઈ મુસાફરોની સંખ્યામાં સતત થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને ઇન્ડિગો અને એર ઇન્ડિયા જેવી સ્થાનિક ઉડ્ડયન કંપનીઓએ એરબસ અને બોઇંગને મોટા પાયે વિમાનોના ઓર્ડર આપ્યા છે. નવા વિમાનોની ડિલિવરી મળવાથી માત્ર સ્થાનિક રૂટ્સ પરની ભીડમાં ઘટાડો થશે એટલું જ નહીં, પરંતુ ઈન્ટરનેશનલ કનેક્ટિવિટી પણ વધુ સારી બનશે.