ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો, એચસીએલ સહિતની આઇટી કંપનીઓ ગ્રીનકાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, ઓક્ટોબર 2026  |   2079

અમેરિકન શ્રમ વિભાગ દ્વારા ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો અને એચસીએલ સહિત વિશ્વની કેટલીક સૌથી મોટી આઇટી આઉટસોર્સિંગ કંપનીઓને પર્મનન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામ (પીઇઆરએમ)માંથી અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવી છે. સિસ્ટમના કથિત દુરુપયોગના આક્ષેપોને પગલે આ સખત પગલું ભરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પીઇઆરએમ એ યુએસ શ્રમ વિભાગ દ્વારા અપાતી સત્તાવાર મંજૂરી છે, જે નોકરીદાતાઓને કાયમી ગ્રીન કાર્ડ માટે વિદેશી કામદારોને પ્રાયોજિત કરવા સક્ષમ બનાવે છે. 

યુએસ લેબર સેક્રેટરી કીથ સોન્ડરલિંગે કોગ્નિઝન્ટ, ઇન્ફોસિસ, ટાટા, વિપ્રો, એચસીએલ અને કેપજેમિની સામે આ કાર્યવાહીની જાહેરાત કરી છે. આ ઉપરાંત, અનેક સક્રિય ફેડરલ તપાસોને ટાંકીને માઈક્રોસોફ્ટ અને એડોબને પણ આ કાર્યક્રમમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સોન્ડરલિંગે નિવેદન આપ્યું હતું કે, દુર્ભાગ્યે, યુનાઇટેડ સ્ટેટ્સમાં એવી કોઈ કંપની નથી જેણે આ સિસ્ટમનો માઈક્રોસોફ્ટ કરતા વધુ દુરુપયોગ કર્યો હોય. અમેરિકન વાઈસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે જણાવ્યું હતું કે, માઈક્રોસોફ્ટે ૨૦૨૫માં લાયક અમેરિકન કર્મચારીઓ ન મળવાનું પ્રમાણપત્ર આપીને ૬,૦૦૦ અમેરિકન કામદારોને છૂટા કર્યા હતા, છતાં તેમને ૬,૦૦૦થી વધુ એચ-૧બી વિઝા મંજૂર થયા હતા અને ૩,૬૮૨ પીઇઆરએમ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે આમાંથી લગભગ ૧,૦૦૦ અરજીઓ એ જ જગ્યાઓ માટે હતી જેમાંથી અમેરિકન કામદારોને કાઢી મૂકવામાં આવ્યા હતા. 

વાન્સના જણાવ્યા અનુસાર, એચ-૧બી વિઝા પ્રોગ્રામનો હેતુ યુએસ બહારથી એવા પદો માટે ‘શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ’ લોકોને લાવવાનો હતો જે અમેરિકન કામદારો દ્વારા ભરી શકાતા નથી, પરંતુ આ પ્રોગ્રામ હવે ‘છેતરપિંડીથી ભરેલો’ બની ગયો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution