લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, જુન 2026 |
2277
સરથાણામાં બાપાસીતારામ ચોક નજીક આવેલી સિલ્વર બિઝનેસ હબની લા મરીના હોટેલમાં પ્રેમી યુગલે ઝેર ગટગટાવી લીધુ હતું. ૨૩ વર્ષીય યુવતીનું કરુણ મોત નીપજ્યું છે, પોલીસે મૃતક યુવતીની ઓળખ ૨૩ વર્ષીય માનસી હસમુખ ઉમરેટીયા (રહે. શિવધારા માનસરોવર, યોગીચોક, સરથાણા તથા મૂળ વતન ગીગાસણ, તા. ધારી, જી. અમરેલી) તરીકે કરી છે. જ્યારે સારવાર હેઠળ રહેલા યુવકનું નામ ૨૩ વર્ષીય અભય રામજી ત્રાડા (રહે.રૂક્ષ્મણી સોસાયટી, નાના વરાછા) હોવાનું જાણવા મળ્યું છે. બંને એકબીજાના પ્રેમમાં હતા અને અગાઉ કોર્ટ મેરેજ પણ કરી ચૂક્યા હતા. શરૂઆતમાં બંનેના સંબંધ અંગે પરિવારજનોએ વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ બાદમાં બંને પરિવારો રાજી થઈ ગયા હતા. પરિવારની સંમતિથી બંનેની સગાઈ પણ કરવામાં આવી હતી અને દિવાળી બાદ સામાજિક રીતિ-રિવાજ મુજબ લગ્ન યોજાવાના હતા. છતાં, લા મરીના હોટેલના રૂમમાં બંનેએ ઝેરી દવા પી લેતાં ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં માનસીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અભયની હાલત હજુ પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે બંનેના લગ્ન ટૂંક સમયમાં થવાના હતા. તેમ છતાં તેઓએ આટલું આકરું પગલું શા માટે ભર્યું તે હજી રહસ્ય બની રહ્યું છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવક ભાનમાં આવ્યા બાદ અને પરિવારજનોની પૂછપરછ પૂર્ણ થયા પછી સમગ્ર ઘટનાનું સાચું કારણ બહાર આવે તેવી શક્યતા છે.