ભેસ્તાન બ્રિજ પર માતેલા સાંઢની જેમાં દોડતા ડમ્પરે માતા-પુત્રીને કચડી મારતાં અરેરાટી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, જુન 2026  |   2178

સુરત શહેરમાં ભારે વાહનોની બેદરકાર દોડધામ વચ્ચે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. મોપેડ પર સવાર એક મહિલા, તેના ભાઈ અને બે માસૂમ બાળકીઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે બેફામ ઝડપે આવી રહેલા ડમ્પરે મોપેડને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે મહિલા અને તેની એક બાળકીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે મોપેડ ચલાવી રહેલા મહિલાના ભાઈ અને બીજી બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો. આ બનાવમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે ૮ વાગ્યાની આસપાસ ભેસ્તાન આવાસ ખાતે રહેતા ઈમરાન સૈયદની ૨૨ વર્ષીય પત્ની રૂકસાર અને બે વર્ષીય પુત્રી જૈનબ અને ચાર વર્ષીય પુત્રી સાથે મોપેડ પર પોતાનાં ભાઈ સાથે ઉનથી ભેસ્તાન આવાસ ખાતે પોતાના ઘર તરફ જવા માટે નીકળ્યા હતા. દરમિયાન ભેસ્તાન બ્રિજ ચઢતી વખતે બેફામ દોડી રહેલા ડમ્પર ચાલકે મોપેડને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાળમૂખા ડમ્પરના ચાલકે મોપેડને ટક્કર મારતાં રૂકસાર સૈયદ અને પુત્રી જૈનબનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે રૂકસારનાં ભાઈ સહિત અન્ય એક પુત્રીને સામાન્ય ઈજા પહોંચી હતી. સ્થાનિકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરતાં રૂકસાર અને જૈનબને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરનાં તબીબોએ માતા-પુત્રીને મૃત જાહેર કરતાં પરિવારનાં માથે આભ તુટી પડ્યું હતું. બીજી તરફ ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ડમ્પર ચાલક વિરૂદ્ધ ભારોભાર રોષ ફાટી નીકળ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ દ્વારા ડમ્પર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વહેલી સવારે સર્જાયેલા ગોઝારા અકસ્માતની જાણ ઈમરાન સૈયદને થતાં જ તેઓનાં માથે આભ તુટી પડ્યું હતું. ઘરથી થોડા અંતર દુર જ સર્જાયેલા આ અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું પણ ઘટના સ્થળે ઘસી ગયું હતું. ટેમ્પો ચાલક તરીકે કામ કરતાં ઈમરાન સૈયદ સહિત પરિવારજનોનાં હૈયાફાટ રૂદનથી આખું વાતાવરણ ગમગીન બની ગયું હતું.

વધુ પ્રાપ્ત માહિતી અનુસાર ભેસ્તાન આવાસ ખાતે રહેતા અને ટેમ્પો ચાલક તરીકે કામ કરતાં ઈમરાન સૈયદ ગત રોજ મોર્હરમનો તહેવાર હોવાને કારણે પત્ની અને બંને પુત્રીઓને ઉન ખાતે તેમના પિયર મુકવા ગયા હતા. જ્યાં રૂકસાર અને બંને પુત્રીએ આખી રાત નાના-નાનીનાં ઘરે ધમાલ મસ્તી કરી હતી અને તેઓને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે આ તેમની અંતિમ રાત્રિ સાબિત થશે. વહેલી સવારે ઈમરાન સૈયદે પોતાની પત્ની સાથે વાત કરીને તેમને ઘરે આવવા માટે જણાવ્યું હતું. જેને પગલે રૂકસાર અને બંને બાળકીઓને મોપેડ પર પોતાનાં ભાઈ સાથે ઘર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે આ ગોઝારો અકસ્માત થયો હતો. અકસ્માતમાં રૂકસારનાં ભાઈ અને એક બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો પરંતુ રૂકસાર અને માસુમ પુત્રી જૈનબનાં મોતને પગલે પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

મંત્રી અને માલેતુજારોને નડે નહીં ત્યાં સુધી માતેલા સાંઢ માફક દોડતાં ડમ્પરો સામે કોઈ કાર્યવાહી નહીં

શહેરમાં ડમ્પરો કાળમુખા થઇ બેફામપણે ફરી રહ્યા છે. અકસ્માતોની વણઝાર ના પગલે ડમ્પરો સહિતના ભારે વાહનો ઉપર શહેરમાં પીક અવર્સ દરમિયાન પ્રતિબંધ પણ મૂકાયો છે. સવારે આઠ થી બપોરે એક અને સાંડે પાંચ થી રાત્રે દસ વાગ્યા સુધી ડમ્પર સહિતના ભારે વાહનો શહેરના રસ્તા ઉપર ચલાવવા એ ફોજદારી ગુનો બનો છે. જાે કે, ટ્રાફિક પોલીસની મહેરબાની કહો કે રહેમ નજર હેઠળ પ્રતિબંધિત સમયમાં પણ ડમ્પરો શહેરમાં ફરતાં નહીં પણ માતેલા સાંઢ માફક બેફામપણે દોડતા જાેવા મળે છે. જ્યારે પણ મોટી દુર્ઘટના કહો કે જાનહાની થાય ત્યારે તંત્ર સફાળું જાગી જાહેરનામાના અમલ માટે કડકાઇ દાખવે છે. જાે કે, બે ત્રણ દિવસમાં સ્થિતિ ફરી જૈસે થે એવી બની જાય છે. રસ્તા રસ્તાઓ પર લોહી રેલાવતાં આ ડમ્પરો જ્યાં સુધી કોઇ મોટી ટોપી ને નડે નહીં ત્યાં સુધી કાર્યવાહી કરાતી નથી. આરોગ્ય અને શિક્ષણ મંત્રી પ્રફૂલ્લ પાનસેરિયાની કાર ઉપર ડમ્પરમાંથી માટી ઉડે તો આખુ પોલીસ તંત્ર રોડ ઉપર ઉતરી પડે, બે દિવસમાં પચાસ જેટલા ડમ્પરો સામે કાર્યવાહી પણ કરી દે છે. રાજકીય આકાઓને ખુશ કરવા તલપાપડ રહેતી આ પોલીસ માટે નિર્દોષ નાગરિકોને રોજબરોજ નડતી મુશ્કેલી, માથે ભમતુ મોત અને કમનસીબે લોહી રેલાવું સામાન્ય વાત બની રહે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution