લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, જુન 2026 |
3564
સિંગણપોરમાં ડબલ મર્ડર બાદ સચિન મગદલ્લા હાઈવે પર વધુ એક હત્યાની ઘટનાએ શહેર પોલીસનાં અધિકારીઓને દોડતા કરી દીધાં હતાં. પત્નીની છેડતી કરવા મામલે અદાવત રાખી પથ્થરથી માથું છૂંદી રિક્ષાચાલકની ર્નિમમ હત્યા કરાઇ હતી. અલથાણ પોલીસ પાસેથી મળતી વિગત મુજબ પાંડેસરા, તેરેનામ ચોકડી, જયગુરુદેવ સોસાયટીમાં રાહુલસિંહ રાજપુત તેના પરિવાર સાથે રહે છે. ૨૭ વર્ષીય રાહુલ ઓટો રિક્ષા ભાડે ફેરવવા સાથે કેટરિંગમાં પણ કામ કરતો હતો. કેટરિંગના કામ માટે પિંકી રાજીવકુમાર ઠાકુરને અવાર નવાર રાહુલને મળવાનું થતું હતું. પિંકી ઘણી વખત રાહુલની રિક્ષામાં મુસાફરી કરતી હતી. જે દરમિયાન રાહુલે આ પરિણીતા પર દાનત બગાડી હતી. પિંકી જ્યાં કામ કરતાં જાય ત્યાં રાહુલ પહોંચી જતો હતો. સતત પીછો કરી સંબંધ રાખવા માટે તે દાબ દબાણ પણ કરવા માંડ્યો હતો. પિંકીએ પોતે પરિણીત હોવાનું જણાવી તેને આવા સંબંધમાં કોઇ રસ નથી એવી સ્પષ્ટ વાત કરી હતી. આમ છતાં રાહુલે તેણીનો પીછો છોડ્યો ન હતો. તે ધીરે ધીરે ધમકી આપવા માંડ્યો હતો.
બે દિવસ પહેલા પણ મહિલા ઉધના હરિનગર પાસે હતી ત્યારે રાહુલસિંહ ત્યાં પહોંચી ગયો હતો. જેથી પિંકીએ તેના પતિ રાજીવકુમાર સતિષસિંહ ઠાકુર (રહે,ઉધના હરિનગર-૩ )ને ફોન કરી બોલાવી લીધો હતો. એ સમયે રાજીવે રાહુલને ઠપકો આપતાં તેઓ વચ્ચે તકરાર પણ થઇ હતી. આવામાં સાતમી તારીખે સાંજે પિંકી મગદલ્લા હાઇવે પાસે રાજહંસ સિમ્ફોનીયામાં તેનું કામ પતાવી ઘરે જવા નીકળી હતી. અહીં રાહુલે ફરી તેણીને આંતરી અને રિક્ષામાં બેસી સાથે આવવા કહ્યું હતું. પિંકીએ ના પાડી તો રાહુલ ધાક ધમકી આપી બળજબરી કરવા માંડ્યો હતો. જેથી તેણીએ ફરી પોતાના પતિ રાજીવને કોલ કર્યો હતો. રાજીવ સી.બી. પટેલ ગ્રાઉન્ડની બાજુમાં ખુલ્લા નાળાની પાસે મંગલમ હાઇટ્સ તરફ જતાં કાચા રસ્તા પર પહોંચી ગયો હતો. અહીં રાજીવ અને રાહુલ વચ્ચે ફરી માથાકૂટ થઇ હતી. જેમાં રાહુલસિંહે પત્ની વિશે અપશબ્દો બોલી ધમકી આપી હતી. જેથી આવેશમાં આવી ગયેલા રાજીવે રોડ પરથી પથ્થર ઉઠાવી રાહુલના માથે ઉપરા છાપરી ઘા મારી દીધા હતાં. માથું છૂંદાઇ જતાં રાહુલનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા અલથાણ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. બનાવ અંગે પોલીસે મૃતક રાહુલસિંહનાં ભાઈ અશોક સભાજીતસિંહ રાજપૂત (રહે, સુખી નગર, બમરોલી રોડ, પાંડેસરા)ની ફરિયાદ લઈ તપાસ હાથ ધરતાં પોલીસે રાજીવકુમાર ઠાકુરની ધરપકડ પણ કરી લીધી હતી.