લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, જુન 2026 |
5445
ઈરાન-ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સીધા મિસાઈલ યુદ્ધની વચ્ચે સોમવારે હૂથીઓએ મધ્ય ઇઝરાયેલ તરફ કેટલાય રોકેટ દાગ્યા હતા. જાે કે, આ હુમલાઓમાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી. આ હુમલા બાદ હૂથી જૂથના સૈન્ય પ્રવક્તા યાહ્યા સરીએ મોટી ધમકી આપતા જણાવ્યું છે કે, લાલ સમુદ્રમાં ઇઝરાયેલી જહાજાેની અવરજવર પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, અને હવે કોઈપણ ઇઝરાયેલી ટાર્ગેટને નિશાન બનાવવામાં આવશે. તેમણે ચેતવણી આપી કે, ઈંટનો જવાબ પથ્થરથી અપાશે અને ક્ષેત્રની પરિસ્થિતિઓ અનુસાર અમારા સૈન્ય અભિયાનો વધુ ઝડપી બનશે. રોકેટ હુમલાની જવાબદારી લેતા હૂથી પ્રવક્તાએ કહ્યું કે, ફ્રન્ટ્સની એકતાના સિદ્ધાંત હેઠળ અને લેબનાન, ઈરાન તેમજ ગાઝા વિરુદ્ધ ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહીના જવાબમાં હૂથી દળોએ કબ્જા હેઠળના જાફા (તેલ અવીવ વિસ્તાર) માં સંવેદનશીલ ઠેકાણાઓ પર મિસાઇલોનો મારો ચલાવ્યો છે. સોમવારે સવારે યમનથી દાગવામાં આવેલી એક શક્તિશાળી મિસાઈલ બાદ ઇઝરાયેલના મોટાભાગના વિસ્તારોમાં એર રેડ (હવાઈ હુમલા) ની ચેતવણી આપતા સાયરન વાગી ઉઠ્યા હતા. આના એક દિવસ પહેલા જ ઈરાને ઇઝરાયેલ પર સીધો મિસાઈલ હુમલો કર્યો હતો.