21, જુલાઈ 2025
જમ્મુ |
2475 |
રવિવારે 16,886 શ્રદ્ધાળુઓ દર્શન કર્યા
3 જુલાઈથી શરૂ થયેલી યાત્રા 38 દિવસ સુધી ચાલુ રહેશે
અમરનાથ યાત્રાના 16મા દિવસે રવિવારે 16,886 શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં બરફના શિવલિંગના દર્શન કર્યા. આ 16 દિવસમાં 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફા મંદિરના દર્શન કર્યા છે. પવિત્ર અમરનાથ યાત્રા તા. 3 જુલાઈથી શરૂ થઈ હતી.
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ જણાવ્યું હતું કે- અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓની સંખ્યા રવિવારે ત્રણ લાખનો આંકડો પાર કરી ગઈ છે. આ પવિત્ર યાત્રા એક અત્યંત સમૃદ્ધ અનુભવ છે. યાત્રાના પહેલા દિવસે ગુરુવારે 12,348 યાત્રાળુઓ, શુક્રવારે 14,515, શનિવારે 21,109, રવિવારે 21,512 યાત્રાળુઓ અને સોમવારે 23,857 યાત્રાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા.
યાત્રામાં યાત્રાળુઓની સુરક્ષા માટે 581 અલગ અલગ સુરક્ષા કંપનીઓ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આમાં CRPF, BSF, SSB, IBTP અને CISF સહિતના સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યા છે.
બાલતાલથી ગુફા સુધીના માર્ગ પર દર બે કિલોમીટરના અંતરે મેડિકલ કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. વચ્ચે ઘણી જગ્યાએ ગોદામો પણ શરૂ કરવામાં આવ્યા છે. આ વર્ષે ગુફા તરફ જવાના માર્ગ પર ચાર સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે, જ્યારે પગપાળા, ઘોડા પર અને પાલખીમાં જતા ભક્તો માટે અલગ અલગ રૂટ બનાવવામાં આવ્યા છે.