વિજ્ઞાનીઓને મોટી સફળતા, કેન્સર સામેની વેક્સિન તૈયાર
21, જુલાઈ 2025 ફ્લોરિડા   |   2376   |  

ઉંદરો પર કરવામાં આવેલ પ્રયોગ સફળ રહ્યો

 કેન્સરની બીમારી દુનિયા માટે અનેક દાયકાઓથી પડકારજનક બનેલી છે. કેન્સર વિરુદ્ધ રસી બનાવવામાં વૈજ્ઞાનિકોને હજુ સુધી સફળતા મળી નથી, પરંતુ હવે આ દિશામાં વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી છે. વૈજ્ઞાનિકોએ એવી રસી બનાવી છે, જે કેન્સરને ખતમ કરી શકે છે. ફ્લોરિડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એમઆરએનએ રસી વિકસાવી છે, જે ટયુમર વિરુદ્ધ શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે.

નેચર બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં પ્રકાશિત અભ્યાસ મુજબ વૈજ્ઞાનિકોને ઉંદરો પર આ રસીના કરાયેલા પ્રયોગમાં સફળતા મળી છે, પરંતુ માણસના શરીર પર તેના પરિણામો હજુ સ્પષ્ટ થઈ શક્યા નથી. ઈમ્યુન ચેકપોઈન્ટ ઈનહિબિટર ઈમ્યુનોથેરેપી દવાઓ સાથે આ રસીનો ઉંદરો પર પ્રયોગ કરાયો હતો. તેને આપવાથી ઉંદરોમાં એક મજબૂત ટયુમર પ્રતિરોધી અસર જોવા મળી. આ રસીની વિશેષ વાત એ છે કે કોઈપણ વિશેષ ટયુમર પ્રોટીનને ટાર્ગેટ નથી કરતું. તેના બદલે તે કેન્સર વિરુદ્ધ ઈમ્યુન સિસ્ટમ બનાવે છે.

યુએફ હેલ્થના ઓન્કોલોજિસ્ટ અને મુખ્ય સંશોધક ડૉક્ટર એલિયાસ સયૂરે આ સંશોધન અંગે કહ્યું કે, તેનાથી સર્જરી, રેડિયેશન અથવા કીમોથેરેપી પર નિર્ભર રહ્યા વિના કેન્સરની સરાવરની નવી રીત સામે આવી શકે છે. જોકે, હજુ સુધી આ રસીનો મનુષ્યો પર પ્રયોગ કરાયો નથી. માણસો પર આ રસીના આ જ પ્રકારના પરીણામ મળે તો તેનાથી કેન્સરની રસી બનાવવાનો રસ્તો ખુલી જશે. તેનાથી કેન્સર જેવી ગંભીર બીમારીથી છૂટકારો મેળવી શકાશે. એલિયાસ સયૂરે કહ્યું, આ સંશોધન એક ખૂબ જ અનપેક્ષિત અને રોમાંચક વસ્તુઓ સામે લાવ્યું છે. એક એવી રસી આપણને મળી શકે છે, જે કોઈ વિશેષ ટયુમર માટે વિશેષ નથી. એટલે કે આ રસીનો ઉપયોગ સંભવિતરૂપે યુનિવર્સલ કેન્સર રસી તરીકે થઈ શકે છે. તેનાથી કોઈપણ કેન્સર ટયુમર વિરુદ્ધ ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરી શકાશે


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution