21, જુલાઈ 2025
જાકાર્તા |
2475 |
ઈન્ડોનેશિયાની નેવીના ત્રણ જહાજ બચાવ અભિયાનમાં જોડાયા
દરિયા કિનારો નજીક હોવાથી લાઈફ જેકેટ પહેરી કૂદી પડેલા પ્રવાસીઓ તરીને બહાર આવ્યા, અનેક લાપતા
ઈન્ડોનેશિયાના દરિયામાં ૨૮૪ લોકોથી ભરેલા જહાજ કેએમ બાર્સેલોના વીએમાં આગ લાગી હતી. જેના કારણે ગભરાયેલા પ્રવાસીઓએ જીવ બચાવવા માટે દરિયામાં કૂદ્યાં હતા. જોકે, આ દુર્ઘટના દરિયા કિનારા નજીક બની હોવાથી અનેક પ્રવાસીઓને બચાવી લેવાયા હતા. આ દુર્ઘટનામાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતા જ્યારે ૧૮ ઘાયલ થયા હતા. ઈન્ડોનેશિયન નેવીના ફ્લીટ કમાન્ડના કમાન્ડર વાઈસ એડમિરલ ડેનિહ હેંડ્રાટાએ જણાવ્યું કે, બાર્સેલોના ૫ જહાજ રવિવારે તાલૌદથી ઉત્તરી સુલાવેસી પ્રાંતની રાજધાની મનોડા તરફ જઈ રહ્યું હતું, તે સમયે તાલિસે ટાપુ નજીક જહાજમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા જહાજમાં ભાગદોડ મચી ગઈ હતી. લોકો જીવ બચાવવા માટે પાણીમાં કૂદી પડયા હતા.
આ દુર્ઘટનામાં એક ગર્ભવતી મહિલા સહિત પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતા. આ જહાજમાં ૨૮૪ પ્રવાસી અને ક્રૂ પ્રવાસ કરી રહ્યા હોવાની પુષ્ટી કરાઈ હતી. ઈન્ડોનેશિયાની નેવીના ત્રણ જહાજ બચાવ અભિયાનમાં જોડાયા હતા. બચાવ અભિયાનમાં સ્થાનિક માછીમારોની પણ મદદ લેવાઈ હતી. અનેક લોકો લાઈફ જેકેટ પહેરી દરિયામાં કૂદી પડયા હતા. કેટલા લોકો ગુમ થયા છે તે હજુ સુધી જાણી શકાયું નથી. દરિયા કિનારો નજીક હોવાથી તેઓ તરીને બહાર આવી ગયા હતા. આગ લાગવાના કારણોની તપાસ કરાઈ રહી છે.