21, જુલાઈ 2025
બેઈજિંગ |
2079 |
હોલિવૂડની સાયન્સ ફિક્શન ફિલ્મોને વાસ્તવિક બનાવવા પ્રયાસ
માણસના ડીએનએમાં ફેરફાર પર કેન્દ્રીત પ્રયોગોમાં ચીનની સફળતા અંગે દુનિયા અજાણ?
હોલિવૂડમાં વર્ષ ૧૯૯૨માં યુનિવર્સલ સોલ્જર નામની ફિલ્મ આવી હતી, જેમાં માણસ અને રોબોટના સંયોજનથી અમેરિકાએ સુપર સોલ્જર બનાવ્યા હોવાનું દર્શાવાયું હતું. આજના આધુનિક યુગમાં ચીન એઆઈના ઉપયોગથી જીનેટિકલી મોડીફાઈડ સુપર સોલ્જર બનાવી રહ્યું છે અને તેના આ પ્રયોગ અંગે દુનિયા અંધારામાં હોવાનો એક ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારીએ દાવો કર્યો છે. ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારી નિકોલસ એફ્ટિમિઆડેસનું માનવું છે કે ચીનનો આ પ્રયોગ દુનિયા માટે ખતરનાક બની શકે છે.
અમેરિકન સંરક્ષણ વિભાગના નિવૃત્ત અધિકારીએ જણાવ્યું હતુ કે, ચીન સુપર સોલ્જર બનાવવા પ્રયોગ કરી રહ્યું છે. દુનિયાના અન્ય દેશો પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને જીનેટિકલી મોડીફાઈડ સુપર સોલ્જર્સ બનાવવા માટે ઘણા સમયથી પ્રયોગો કરી રહ્યા છે. દુનિયા માટે આ પ્રકારના પ્રયોગોની વાત નવી નથી, પરંતુ ચીનના સંદર્ભમાં ચિંતાજનક બાબત એ છે કે ચીનના પ્રયોગો અંગે દુનિયા સંપૂર્ણપણે અંધારામાં છે.
અમેરિકન સેનેટર માર્ક વોર્નરે થોડા સમય પહેલાં કહ્યું હતું કે, ચીન હોલિવૂડની સાયન્સ ફિક્શન ફિલ્મની જેમ તેના સૈનિકોની ક્ષમતા વધારવા માટે તેમના ડીએનએમાં ચેડાં કરીને સુપર સોલ્જર બનાવી રહ્યું છે. સેનેટર વોર્નરના દાવાઓના સંદર્ભમાં એફ્ટિમિઆડેસે જણાવ્યું કે, ચીનના સુપર સોલ્જર પ્રયોગો અંગે આપણે કશું જ જાણતા નથી. ચીનના સૈન્ય અધિકારીઓએ આ પ્રયોગોમાં કેટલીક સફળતા મેળવી છે તેનો આપણને કોઈ ખ્યાલ નથી. આપણા માટે ચિંતાજનક બાબત એ છે કે આ પ્રયોગો ચીનના પીપલ્સ લિબરેશન આર્મીની દેખરેખ હેઠળ થઈ રહ્યા છે.
જોકે, વધુમાં જણાવ્યું કે, ચીનના સંશોધનો આશાસ્પદ છે, પરંતુ જનીનના વિભાજન અથવા વ્યક્તિત્વ પરિવર્તનના પ્રયત્નોમાં તેમને કેટલી સફળતા મળી છે તે અંગે આપણે બહુ ઓછું જાણીએ છીએ. તેઓ ઘણા સમયથી એ બાબતનો અભ્યાસ કરી રહ્યા છે કે શારીરિક અને માનસિક રીતે વધુ શ્રેષ્ઠ માણસ બનાવવા માટે શું માણસની વર્તણૂક અને માનસિક્તા બદલી શકાય? જોકે, તેમના આ પ્રયોગો અંગે દુનિયા અંધારામાં છે.