ગાઝામાં ભોજન માટે લાઇનમાં ઊભા લોકો પર ઈઝરાયલનો હુમલો, 67 પેલેસ્ટિનિયનના મોત
21, જુલાઈ 2025 ગાઝાપટ્ટી   |   2574   |  

મૃત્યુઆંક વધારીને દર્શાવવામાં આવી રહ્યો હોવાનો ઇઝરાયલી સેનાનો દાવો

કતારમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી યુદ્ધવિરામ વાટાઘાટો વચ્ચે ગાઝામાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. રવિવારે ઉત્તરી ગાઝામાં ઇઝરાયલી ગોળીબારમાં યુએન રાહત સામગ્રીની રાહ જોઈ રહેલા 67 પેલેસ્ટિનિયનોના મોત થયા. ગાઝા આરોગ્ય મંત્રાલયે આ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.

આ હુમલા અંગે ઇઝરાયલી સેનાનું કહેવું છે કે, 'અમારા સૈનિકોએ ખતરાની આશંકાને કારણે ચેતવણીના ભાગરૂપે ગોળીબાર કર્યો હતો.' સેનાનો દાવો છે કે મદદ લઇ જતી ટ્રકોને નિશાન બનાવવામાં આવી ન હતી. તેમજ મૃત્યુઆંક વધારીને દર્શાવવામાં આવી રહ્યો છે.

સંયુક્ત રાષ્ટ્રની એજન્સી WFP એ જણાવ્યું કે, 'અમારા 25 ટ્રકના કાફલા પર ગાઝામાં પ્રવેશતા જ ભીડ ઉમટી પડી હતી. તે સમયે ગોળીબાર થયો.' બીજી તરફ, ગાઝામાં રહેતા લોકોએ જણાવ્યું કે, 'હવે લોટ જેવા ખાવા માટેની વસ્તુઓ મળવી અશક્ય બની ગઈ છે.

સંયુક્ત રાષ્ટ્ર અને ગાઝાના આરોગ્ય મંત્રાલયે ચેતવણી આપી છે કે ગાઝા ભૂખમરાની આરે પહોંચી ગયું છે. અત્યાર સુધીમાં 71 બાળકોના કુપોષણથી મોત થયા છે અને 60 હજાર બાળકો કુપોષણના લક્ષણોથી ઝઝૂમી રહ્યા છે.

ગાઝા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 58,000 થી વધુ પેલેસ્ટિનિયનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને લાખો નાગરિકો વિસ્થાપિત થયા છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution