21, જુલાઈ 2025
લોસ એન્જેલસ |
3366 |
તમામ યાત્રીઓ અને ક્રૂ મેમ્બર સુરક્ષિત, ટેક ઓફ પછી તરત એન્જિનમાં આગ લાગી હતી
વિમાનને તુરંત એરપોર્ટ પર પરત લાવવામાં આવ્યું
લોસ એન્જેલસ એરપોર્ટથી એટલાન્ટા જઇ રહેલા વિમાનના એન્જિનમા એચાનક આગ લાગવાથી તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફલાઇટ ડીએલ ૪૪૬ના એન્જિનમાં ટેકઓફ પછી તરત આગ લાગી હતી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં ડાબી તરફના એન્જિનમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. જો કે કોઇ પ્રકારનું નુકસાન થયું ન હતું અને વિમાનને સુરક્ષિત રીતે એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું.
કોઇ પણ વ્યકિતના ઘાયલ થવાના અહેવાલ મળ્યા નથી અને વિમાને સુરક્ષિત લેન્ડિંગ કર્યુ હતું. રિપોર્ટ અનુસાર આગ લાગતા જ વિમાનમાં ઇમરજન્સીની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ વિમાનને એરપોર્ટ પર પરત લઇ જવાની તૈયારી શરૂ કરવામાં આવી હતી. લોસ એન્જેલસ એરપોર્ટ પર એટીસીએ વિમાનને પરત લાવવામાં મદદ કરી હતી. ત્યારબાદ ગ્રાઉન્ડની ઇમરજન્સી સેવાઓને તૈનાત રહેવાનો આદેશ આપ્યો હતો.
ડીએલ ૪૪૬ પ્રથમ પેસિફિકની ઉપર ગયું હતું. ત્યારબાદ તે ડોની અને પેરામાઉન્ટ ક્ષેત્રની નીચે ઉતરવા લાગ્યું હતું. આ દરમિયાન વિમાનના ક્રૂ મેમ્બરોએ સુરક્ષિત લેન્ડિંગની સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી. આ દરમિયાન વિમાનની ગતિ અને ઉંચાઇ સંપૂર્ણપણે નિયંત્રણમાં હતી.
જોકે, આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને તપાસ શરૂ કરી દીધી છે. વિમાનમાં ૨૮૨ યાત્રી, ૧૦ ક્રૂ મેમ્બર અને બે પાયલોટ હતાં. આ વિમાન એરબસ એ-૩૩૦ હતું.