ચોથી ટેસ્ટ પહેલાં જ ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં, 4 સ્ટાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત
21, જુલાઈ 2025 માન્ચેસ્ટર   |   2574   |  

ઈંગ્લેન્ડ સામે 23 જુલાઈથી શરૂ થનારી માન્ચેસ્ટર ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયાની મુશ્કેલી વધી ગઈ છે. ભારતીય ટીમના 4 ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ ગયા છે. ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી ઈજાને કારણે ચોથી ટેસ્ટ મેચમાં સિલેક્સનની રેસમાંથી બહાર થઈ ગયા છે. અર્શદીપના ડાબા હાથમાં ઈજા થઈ છે. જ્યારે નીતીશને ઘૂંટણમાં ઈજા થઈ છે.

જમણા હાથના ફાસ્ટ બોલર આકાશ દીપનું ગ્રોઈન ઈન્જરીના કારણે માન્ચેસ્ટર ટેસ્ટમાં રમવું ખૂબ મુશ્કેલ છે. જ્યારે વાઈસ કેપ્ટન અને વિકેટકીપર રિષભ પંત ઈજામાંથી સંપૂર્ણપણે રિકવર નથી થઈ શક્યો. લોર્ડ્સ ટેસ્ટ મેચ દરમિયાન જસપ્રીત બુમરાહનો બોલ કલેક્ટ કરવાના પ્રયાસમાં રિષભ પંતને ડાબા હાથની આંગળીમાં ઈજા થઈ હતી.

હવે માન્ચેસ્ટર ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમના પ્લેઇંગ-11માં બે ફેરફાર નિશ્ચિત છે. નીતિશ કુમાર રેડ્ડીના સ્થાને ધ્રુવ જુરેલને પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવી શકે છે. જો જુરેલ રમે, તો તે વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે. જ્યારે રિષભ પંત સ્પેશિયાલિસ્ટ બેટર તરીકે રમશે. લોર્ડ્સ ટેસ્ટમાં પંત ઘાયલ થયો ત્યારે જુરેલે જ વિકેટકીપિંગ કરી હતી.

બીજી તરફ ઈજાગ્રસ્ત આકાશ દીપના સ્થાને ફાસ્ટ બોલર અંશુલ કંબોજને પ્લેઇંગ-11માં સામેલ કરી શકાય છે. 24 વર્ષીય અંશુલ કંબોજને ફાસ્ટ બોલરોની ઈન્જરીના કારણે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જમણા હાથનો ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા પણ એક વિકલ્પ છે, પરંતુ તેને તક મળવાની શક્યતા ઓછી છે. કૃષ્ણાએ પહેલી બે ટેસ્ટ મેચ રમી હતી, જ્યાં તે ખૂબ મોંઘો સાબિત થયો હતો. ભારત પાસે ચાઇનામેન કુલદીપ યાદવના રૂપમાં વધારાના સ્પિનરને પણ રમાડવાનો વિકલ્પ છે, પરંતુ શુભમન બ્રિગેડ ભાગ્યે જ આવું કરશે.

માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર ભારતીય ટીમનો ટેસ્ટ રેકોર્ડ કંઈ ખાસ નથી. ભારતીય ટીમ 89 વર્ષથી અહીં પોતાની પહેલી ટેસ્ટ જીતની રાહ જોઈ રહી છે. ભારતે 1936માં આ મેદાન પર પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી હતી, ત્યારથી તેને એક જીત નસીબ નથી થઈ. ભારતે ઓલ્ડ ટ્રેફર્ડમાં જે 9 ટેસ્ટ રમી તેમાંથી, ટીમ ઇન્ડિયાએ 4 ટેસ્ટ ગુમાવી દીધી હતી. જ્યારે 5 ટેસ્ટ ડ્રો રહી હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution