લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, જુન 2026 |
2079
અમેરિકન એરફોર્સનું B-52 બોમ્બર વિમાન દક્ષિણ કેલિફોર્નિયાના એડવર્ડ્સ એરફોર્સ બેઝ પરથી ઉડાન ભર્યાના થોડી જ વારમાં ક્રેશ થઈ ગયું. એરફોર્સ બેઝના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ ૮ લોકોના મોત થયા છે. આ ઘટના સોમવારે સ્થાનિક સમય મુજબ સવારે ૧૧:૨૦ વાગ્યે બની હતી, જ્યારે વિમાન એક સામાન્ય મિશન પર હતું. વિમાન તૂટી પડ્યા પછી ઘટનાસ્થળેથી આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા દેખાયા હતા, જેને માઈલો દૂરથી પણ જાેઈ શકાતા હતા.કર્નલ જેમ્સ હેસે પત્રકારોને જણાવ્યું કે, “આજે એડવર્ડ્સ એરફોર્સ બેઝ પર એક ભયાનક અકસ્માત થયો છે અને આપણે આઠ મહાન અમેરિકનોને ગુમાવ્યા છે. આ ઘટના ખૂબ જ દુ:ખદ હતી અને તેમાં કોઈના પણ બચવાની શક્યતા નહોતી.” તેમણે વધુમાં જણાવ્યું કે ક્રૂ મેમ્બર્સમાં લશ્કરી જવાનો, સરકારી કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો સામેલ હતા.
અકસ્માત શેના કારણે થયો તેની માહિતી હજુ સુધી મળી નથી અને ઝીણવટભરી તપાસ બાદ જ તેની ખબર પડશે. હેસે કહ્યું કે આ મામલાની આગળની તપાસ પૂર્ણ થવામાં ૬ મહિનાથી વધુ સમય લાગી શકે છે.આ પ્લેન અકસ્માત એરફોર્સ બેઝના રનવે પર જ થયો હતો અને હાલ પૂરતું બેઝ પર તમામ કામકાજ રોકી દેવામાં આવ્યા છે. કર્નલ હેસે જણાવ્યું કે બોમ્બર વિમાન બેઝના ‘રડાર મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ‘માં મદદ કરી રહ્યું હતું.