/
ડેડીયાપાડામાં રસ્તાના ખાતમુહૂર્તમાં દારૂનો અભિષેક થતાં રોષ

રાજપીપળા

ગુજરાત સરકારે હાલ દારૂ બંધીનો કડક કાયડો અમલમાં મુક્યો છે, સાથે સાથે સરકાર સહિત અન્ય સામાજિક સંસ્થાઓ અંતરિયાળ વિસ્તારમાં વ્યસન મુક્તિ અભિયાન પણ ચલાવી રહી છે.ત્યારે નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા ડેડીયાપાડા વિસ્તારમાં રસ્તાનું ખાતમુહૂર્ત ખાખરના પાનમાં દારૂના અભિષેકથી કરવામાં આવ્યું હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.બીજી બાજુ ભરૂચના ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ આ મામલે પોતાની સખત નારાજગી વ્યક્ત કરી છે. ડેડીયાપાડા તાલુકાના વિવિધ રસ્તાઓનું ગત ૨૫/૧૦/૨૦૨૦ ના રોજ ખાતમુહૂર્ત કરાયું હતુ. આ ખાતમુહૂર્ત પ્રસંગે ડેડીયાપાડા બી.ટી.પી ના ધારાસભ્ય મહેશ વસાવા, નર્મદા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન બહાદુર વસાવા, ગુજરાત પ્રદેશ ભા.જ.પ આદિજાતિ મોરચા પ્રમુખ અને ડેડીયાપાડના માજી ધારાસભ્ય મોતીસિંહ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ આગેવાન અને માજી જિલ્લા પંચાયત પ્રમુખ શંકર વસાવા સહિત કોંગ્રેસના અન્ય આદીવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા. દરમિયાન રસ્તાનું ભૂમિપૂજન ખાખરાના પાનમાં દારૂના અભિષેકથી કરવામાં આવતા આ મામલે ભાજપની જ ખૂબ ટીકા થઈ રહી છે. ભાજપ સાંસદ મનસુખ વસાવા પણ ખફા છે, એમણે જણાવ્યું હતું કે હંમેશા ભૂમિપૂજન અબીલ-ગુલાલ, કંકુ-ચોખા તથા દૂધ, જળ (પાણી) થી પૂજન કરવામાં આવે છે.તેના બદલે ખાખરના પાનમાં દારૂ લઈને લાઈનમાં ઊભા રહીને દારૂથી અભિષેક કરતા નેતાઓ ખાતમુહૂર્ત કરી રહ્યા છે તથા એ પણ જાણવા મળ્યું છે કે કેટલાકે આ પ્રસાદી પણ લીધી.સરકાર દારૂબંધીનો કાયદો કડક બનાવે છે, વ્યસન મુક્તિ અભિયાન ચલાવે છે અને સાધુ-સંતો, ધાર્મિક સંપ્રદાયો પણ સમાજ સુધારણા માટે અને દારૂ જુગાર જેવા વ્યસનોથી દૂર રહેવા રાત-દિવસ મહેનત કરી રહ્યા છે, તો નેતાઓનો આ વ્યવહાર જોઈ આનાથી કેવો સંદેશો તેઓ આદિવાસી સમાજને આપવા માંગે છે? ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે હંમેશા આપણા વ્યવહારો તથા કાર્યક્રમો એવા હોવા જોઈએ કે જેનાથી સમાજ પ્રેરણા લઈ શકે.પરંતુ આ પાનવાળું દ્રશ્ય જોઈને ઘણા બધા લોકો ટીકા-ટિપ્પણીઓ કરી રહ્યા છે, તેથી ભવિષ્યમાં આવા કાર્યક્રમો ન કરતા આમ પ્રજામાં એક સારો સંદેશો જાય તેવા કાર્યક્રમો કરવા જોઈએ.

અમે અબીલ, ગુલાલથી પેહલા અભિષેક કર્યો હતોઃ શંકરભાઈ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ આગેવાન

આ કાર્યક્રમમાં હાજર નર્મદા જિલ્લાના ભાજપ આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઈ વસાવાએ જણાવ્યું હતું કે અમે પેહલા ભૂમિપૂજન અબીલ-ગુલાલ, કંકુ-ચોખા અને નાળિયેર વધેરી કર્યું હતું.મ્્‌ઁ સ્ન્છ મહેશભાઈ વસાવાએ ખાખરના પાનમાં દારૂના અભિષેક કરવા જણાવ્યું, મહેશભાઈ વસાવાએ તે વખતે કહ્યું હતું કે એ તો આપણી આદિવાસીઓની મૂળ સંસ્કૃતિ છે.સત્તામાં આવ્યા પછી મહેશભાઈ વસાવા નવી નવી પ્રથાઓ ઉમેરવા માંગે છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution