લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, જુન 2026 |
2376
શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સિંધી કોલોનીમાં મધરાતે હંગામો થયો હોવાની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે. ઘર પાસે આવી જાેરજાેરથી દરવાજાે ખખડાવી ગાળાગાળી કરવા બદલ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવની વિગત એવી છે કે, સરદારનગરમાં શાંતિપ્રકાશ હોસ્પિટલ પાસે રહેતા ૨૧ વર્ષીય મહિલાએ ગત ૧૩ જૂન, ૨૦૨૬ના રોજ રાત્રે બે વાગ્યાના સુમારે પરિવાર સાથે ઘરે આરામ કરી રહ્યા હતા. આ સમયે કુબેરનગરનો આકાશ જગદીશભાઈ મીઢાણી અને હાંસોલનો જયેશ જયંતિભાઈ રાઠવા અન્ય બે સાગરીતો જય પંજવાણી તથા સંજય વાસનાણી સાથે ત્યાં પહોંચ્યા હતા. આ શખ્સોએ ફરિયાદીના ઘરનો લોખંડનો ગેટ જાેરજાેરથી ખખડાવવાનું શરૂ કરતા પરિવારના તમામ સભ્યો જાગી ગયા હતા અને ફફડી ઉઠ્યા હતા.જ્યારે મહિલાએ બહાર આવી પૂછપરછ કરી કે “તમે આટલી રાત્રે કેમ અમારા ઘરે આવ્યા છો અને દરવાજાે કેમ ખખડાવો છો?”, ત્યારે આરોપી જયેશ રાઠવા એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલાને બિભત્સ ગાળો આપવા લાગ્યો હતો. એટલું જ નહીં, આ શખ્સોએ ફરિયાદી અને તેના પરિવારને જાહેરમાં અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અંતે પરિસ્થિતિ વણસતા મહિલાએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી મદદ માંગી હતી. પોલીસની ગાડી ઘટના સ્થળે પહોંચતા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ હતી.