વાપી-

વલસાડ જિલ્લામાં મંગળવારે 4 કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભારે વરસાદને કારણે ટાઉન વિસ્તારમાં અને મહારાષ્ટ્રને જોડતા મુખ્ય માર્ગો પર ઘૂંટણ સુધીના પાણી ફરી વળતા રસ્તાઓ પરની અવરજવર બંધ થઈ હતી. ઉમરગામ તાલુકામાં સવારના 8 થી 10 વાગ્યા સુધીમાં 128mm વરસાદ વરસ્યો હતો. ઉમરગામમાં એ સાથે સિઝનનો કુલ વરસાદ 56ઇંચ થયો છે. મંગળવારે વરસેલા ભારે વરસાદમાં ઠેરઠેર પાણી ભરાયા હતાં. ઉમરગામ સાથે વાપીમાં પણ સવારના 8 થી 10 વાગ્યા દરમ્યાન 106mm વરસાદ વરસતા વાપીમાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં. ભારે વરસાદને કારણે હાઇવે પર વાહનોની ગતિ ઘટી હતી. વાપીમાં સિઝનનો સરેરાશ 58 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. તાલુકા મુજબ સિઝનનો વરસાદ જોઈએ તો વલસાડ તાલુકામાં 50 ઇંચ, પારડી તાલુકામાં પણ 50 ઇંચ, કપરાડા તાલુકામાં 67 ઇંચ અને ધરમપુર તાલુકામાં 56 ઇંચ સિઝનનો કુલ વરસાદ નોંધાયો છે. સપ્તાહના વિરામ બાદ મેઘરાજાની રીએન્ટ્રીએ ધરતીપુત્રોને ખુશખુશાલ કર્યા છે. જ્યારે શહેરી વિસ્તારમાં પાણી ભરાવાના બનાવોએ મુશ્કેલી સર્જી છે.