માતૃભાષા અવશ્ય ભણો અને તેની સાથે બહુભાષી બનો...
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, માર્ચ 2025  |   સુરેશ મિશ્રા   |   14157

 ભાષાને શું વળગે ભુર...રણમાં જીતે તે શૂર. આ કહેવત કહે છે કે યુદ્ધના મેદાનમાં ભાષા જ્ઞાન નહીં પણ શૂરવીરતા અને દાવપેચમાં કુશળતા વધુ યારી આપે છે.

કેરળના કોચ્ચીમાં એક ગુજરાતી બજાર છે.આ બજારમાં ફાફડા,ભજીયા ભૂસા અને ગાંઠિયાની એક દુકાન છે.આ વિસ્તારમાં દોઢસો બસો વર્ષ પહેલા ગુજરાતમાંથી આવીને વસી ગયેલા પરિવારો વસે છે.આ પરિવારોની વર્તમાન પેઢીને હજુ ગાંઠિયા ભજીયાનો સ્વાદ તો ગમે છે પરંતુ મોટાભાગના લોકો ભાંગ્યું તૂટ્યું ગુજરાતી બોલી શકે છે,ભાગ્યે જ લખી કે વાંચી શકે છે.હા, મલયાલી માતૃભાષાની જેમ બોલે છે અને ઈડલી ઉપરાંત આપણે જેમના નામ ભાગ્યે જ સાંભળ્યા હોય એવી ચોખાની વાનગીઓ ટેસથી આરોગે છે.

   દેશ તેવો વેશ એવી કહેવત છે.એમાં ઉમેરો કરી શકાય કે પ્રદેશ તેવી ભાષા.વડોદરામાં મહારાષ્ટ્રીયનોની વસતી વધારે હોય એવા મહોલ્લામાં વસતા ગુજરાતીભાષી પરિવારોના બાળકો સરસ મરાઠી બોલતા થઈ જાય છે. સંગ તેવો રંગ કહેવત છે તો સંગ તેવી ભાષા એવી નવી કહેવત ઉમેરી શકાય.

   એકથી વધુ ભાષા કે બોલી બોલી શકતા લોકોને વ્યાપાર વધારવામાં સરળતા થાય એવું મારું નિરીક્ષણ છે. હું મૂળે આદિવાસી વિસ્તારનો નિવાસી. અમારા કવાંટ વિસ્તારમાં રાઠવી અને ભીલી બોલીનું ગામડાઓમાં વધુ પ્રચલન.મારા મિત્રો હસમુખભાઈ,રાજેશ પંચોલીને આ બોલીઓ જીભના ટેરવે એટલે દૂરના ગામડાઓ સુધી તેઓ વેપાર વિસ્તારી શક્યા છે.

   ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં શિક્ષણ,સેવા અને ઉત્કર્ષની પ્રવૃતિઓ જેમણે કરી છે એ મહાનુભાવો અને કાર્યકરો પૈકી જેમણે સ્થાનિક ભાષા-બોલી પર પ્રભુત્વ મેળવ્યું તેઓ વધુ સફળ થયાનું જણાય છે.

   આ ઉદાહરણો દર્શાવે છે કે ભાષા કે બોલીઓ સંકુચિત નથી પણ એ બોલનારાઓ કે લખનારાઓની માનસિક સંકુચિતતા વિવાદો સર્જે છે અને વધારે છે.માતૃભાષાને વળગી રહીને શક્ય તેટલી વધુ ભાષાઓ શીખે,બોલે એનો સર્વ સમાજમાં વ્યાપક સ્વીકાર થાય છે અને એને ભેદ વગર બધા આવકારે છે. કવિ - પ્રશાસક ભાગ્યેશ જહા બહુ સરળ દાખલો આપે છે. તેઓ કહે છે કે ગુજરાતી મારી માતા છે તો હિન્દી જેવી અન્ય સ્વદેશી ભાષાઓ મારા માસી છે અને અંગ્રેજી પાડોશી વિદુષી સન્નારી છે.એનો અર્થ એવો કરી શકાય કે માતૃભાષાને હૈયામાં રાખો પરંતુ અન્ય ભાષાઓ સાથે આત્મીયતા તો કેળવો જ.

   વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરીએ ત્યારે ભાષા વિવાદ અને તેમાં ઘણીવાર હિંસા ગ્લાનિ આપે છે. તેમાંથી આ ચિંતન પ્રગટ્યું છે.

    ૨૧મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાય છે.ભાષા એ અભિવ્યક્તિનું પ્રગટ માધ્યમ છે. જ્યાં સુધી ભાષાનો વિકાસ ના થયો ત્યાં સુધી માણસને વાચા ના ફૂટી.ભાષાએ સંકેતોથી સંવાદ કરતા માણસને બોલકો કર્યો. વિશ્વમાં અગણિત ભાષાઓ અને પ્રત્યેક ભાષાનો અનેકવાર ગુણાકાર કરી શકાય તેટલી,ભાષામાંથી પ્રગટેલી બોલીઓ છે.ભાષાનું ભોજન જેવું છે.જેમ પ્રવાસમાં નીકળીએ અને દિવસો વીતતા જાય તેમ તેમ પોતાના પ્રચલિત ભોજન યાદ આવે તેમ પોતાની ભાષા પણ યાદ આવે. વિદેશની ધરતી પર ગુજરાતી જણને કોઈ ગુજરાતી બોલનાર મળી જાય તો શરીરના રૂંવે રૂંવે આનંદ પ્રસરી જાય. માત્ર ગુજરાતીને આવું થાય એવું નથી. સમભાષી મળે તો પ્રત્યેકને આનંદ થાય. પરદેશની એકલતામાં સમપંથી અને સમભાષી એકલવાયાપણાનું જાણે કે નિવારણ કરે છે.

   માતૃભાષા બાળક લગભગ ગર્ભમાંથી શીખે. સંશોધન કરવા જેવું છે કે કોઈ બાળકના માતા અને પિતા,બંનેની માતૃભાષા જુદી જુદી હોય તો બાળક બંને ભાષાની અભિરુચિ,ગર્ભ સંસ્કાર લઈને જન્મે છે? બહુધા આવા બાળકોમાં બંને ભાષાઓનો સંસ્કાર વારસો હોય જ. એટલે કે એટલિસ્ટ માતા અને પિતાની જુદી જુદી બે માતૃભાષાઓ આવું બાળક અન્ય ભાષાઓના પ્રમાણમાં સહેલાઇથી શીખી શકે.

   ભાષા એકથી વધુ આવડતી હોય એ ગર્વ લેવા જેવી વાત ગણાય.બાળક અંગ્રેજી ભાષા ફટાફટ બોલતું હોય તો માબાપ ગર્વ અનુભવે છે,અને માતૃભાષા ગુજરાતી બરાબર ન આવડતી હોય માબાપ ગર્વ લે છે કે અંગ્રેજી માધ્યમમાં ભણ્યો છે એટલે ગુજરાતી બરાબર બોલી કે સમજી શકતો નથી.પરંતુ એટલું યાદ રાખવું કે સંસ્કાર અને સંસ્કૃતિ વારસો મૂળ ભાષા અથવા માતૃભાષા સમૃદ્ધ હોય તો આગળ વધે છે,વિસ્તરે છે અને જીવંત રહે છે.

   માતૃભાષા દિવસે ભાષા પુરાણ એટલે માંડવું પડે છે કે દેશમાં સ્વતંત્રતા કાળથી ભાષાના વિવાદો ચાલતા આવે છે અને વકરતા જાય છે.અરે! ભાષાને આપણે જાતિ સાથે જાેડી દઈએ છે. જેમ કે ઉર્દુ એક લલિત મધુર ભાષા છે તો એના પર ઇસ્લામિક સિક્કો મારી દેવામાં આવે છે. યાદ રાખવું જાેઈએ કે પ્રત્યેક ભાષા એના સાહિત્ય અને સાંસ્કૃતિક ખજાનાનું પ્રવેશ દ્વાર છે.માતૃભાષાની અવગણના કરવી એ સંસ્કૃતિ લોમક છે તો અન્ય ભાષાઓનો અનાદર કરવો એ જ્ઞાનની ક્ષિતિજાેને સંકુચિત કરવા સમાન છે.

   આપણા દેશમાં,ખાસ કરીને દક્ષિણમાં અને તેમાં પણ તામિલનાડુ અને કેરળમાં હિંદીનો પ્રખર વિરોધ થાય છે.તેનું કારણ દેશની સર્વસ્વીકૃત ભાષા તરીકે,તમામને જાેડનારી ભાષા તરીકે હિંદીને અગ્રતા આપવામાં આવી.હિન્દી ફિલ્મોને લીધે આખો દેશ તેનો સંપર્ક ભાષા તરીકે ઉપયોગ કરે છે.પરંતુ મોટેભાગે દક્ષિણના રાજ્યોમાં અવારનવાર હિન્દીના ઉપયોગ અંગે વિવાદો ઉભા કરવામાં આવે છે.એવો આક્ષેપ કરવામાં આવે છે કે હિન્દી ભાષા અમારી ઉપર થોપવામાં આવી રહી છે.

   ભાષાને લઈને વિવાદો ઉભા કરવા એ માનસિક સંકુચિતતા છે.ભારતીય બંધારણમાં લગભગ ૧૪ ભાષાઓને માન્યતા આપવામાં આવી છે.વિરોધને લઈને હિંદીને રાષ્ટ્રભાષાનું પદ ના આપતા આધિકારીક ભાષાનો દરજ્જાે આપવામાં આવ્યો છે.ભાષા વિવાદને મોટેભાગે રાજકીય લાભો માટે વકરાવવામાં આવી રહ્યા હોય એવું પ્રતીત થાય છે.દક્ષિણના જે લોકો દેશના અન્ય રાજ્યોમાં વસી જાય છે,લાંબો સમય વસવાટ કરે છે એ પોતાની મૂળ ભાષાની સાથે જે તે પ્રદેશની ભાષાને અપનાવી લે છે. બે ત્રણ પેઢી પછી એમના સંતાનો બાપીકી વારસાની ભાષા લગભગ ભૂલી જાય છે.

   એટલે એકથી વધુ ભાષા જાણીએ,શીખીએ તો એ ઉત્તમ ગણાય.જેમની માતૃભાષા સમાન છે એ પરસ્પર સંવાદ,કૌટુંબિક સંવાદ પોતાની માતૃભાષામાં સ્વભાવિક કરે છે અને જ્યારે જે તે પ્રદેશના લોકો સાથે સંવાદ કરવાનો થાય ત્યારે ભલે ભાંગી તૂટી આવડતી હોય પરંતુ સ્થાનિક ભાષાનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે.હિન્દી શીખવામાં પ્રમાણમાં સરળ છે.દક્ષિણની ભાષાઓ દેખીતી રીતે,તેની લિપીને લીધે શીખવામાં અઘરી લાગે છે.પરંતુ જ્યાં વસવાટ કરો એ પ્રદેશની ભાષા વહેલી મોડી આવડી તો જાય જ. એટલે ભાષા માટે લડવાને બદલે એકથી વધુ ભાષા શીખીએ અને ભાષા સમૃદ્ધિ વધારીએ એ જ યથાર્થ ગણાય. દેશના લોકો જેટલી વધુ ભાષાઓ શીખશે,બહુભાષી સાહિત્ય જેટલું વધુ વાંચશે,રાષ્ટ્રીય એકતા એટલી જ દ્રઢ થશે...

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution