વર્દીયાન અને કુલચા ક્રાફ્ટ કાફેની ફ્રેન્ચાઇઝી આપવામાં ભરૂચનાં દંપતી દ્વારા કરોડોનું ફૂલેકું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, નવેમ્બર 2026  |   1782

કરોડોમાં ઉઠમણું કરનાર ભરૂચની સ્પાઇસ ફેર કંપનીનાં સંચાલકોએ વર્દીયાન અને કુલચા ક્રાફ્ટ કાફેની ફ્રેન્ચાઇઝીમાં સુરતનાં ત્રણ યુવકો સાથે ૫૮.૦૮ લાખનું ફ્રોડ કરાતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ચોક બજાર પોલીસ પાસે મળતી માહિતી અનુસાર પાલનપોરમાં એલ. પી. સવાણી સ્કૂલ પાસે ઓર્ચીડ વેગ્યુસ એપાર્ટમેન્ટમાં નિશીત બાબુભાઇ પટેલ તેના પરિવાર સાથે રહે છે. નિશીત ફુડ બિઝનેસ કરવા માગતો હોય નવેમ્બર ૨૦૨૫માં તે પાલગામ ખાતે ચટકારા નામથી હોટેલ ચલાવતા અનિલ રાજપૂતને મળવા ગયો હતો. અનિલે સ્પાઇસ ફેર નામની કંપનીના વર્દીયાન કેફે ની ફ્રેન્ચાઈઝી અંગે વાત કરી હતી. ૧૦.૫૦ લાખ રૂપિયા ભરવાથી સૌરભભાઇ એક મહિનામાં ફ્રેન્ચાઇઝી સેટઅપ કરી આપે છે એમ પણ તેણે કહ્યું હતું.

નિશીતે આ ધંધો કરવાનો હોવાથી તેણે રાજપૂત હસ્તક સૌરભ શેરે સાથે મિટિંગ યોજી હતી. જેમાં તેમણે દુકાનનું ભાડુ, કારીગરોનો પગાર, લાઇટબીલ, માલ મટીરીયલ કંપની તરફથી અપાશ, કાફેમાં જે ધંધો થાય એમાં ૮૦ ટકા સૌરભભાઈનો તેમજ ૨૦ ટકા નો હિસ્સો તમારો રહેશે એવી સ્પષ્ટતા પણ કરાઇ હતી. નિશીતને ઓફર પસંદ પડતાં તેણે વર્દીયાન કેફે ની ફ્રેન્ચાઈઝી લેવાનું નક્કી કર્યું હતું. ૧૨ નવેમ્બરે ૫૧ હજાર ટોકર આપી નિશીતે સીંગપોર ખાતે નીલકંઠ બિઝનેસ હબમાં દુકાન ભાડે લીધી હતી. સૌરભે આ દુકાનની મુલાકાત લઇ એક મહિનામાં કેફે શરૂ કરી આપવા કહ્યું હતું. બાદમાં નિશીતે ટૂકડે ટૂકડે કુલ ૧૦.૫૦ લાખ રૂપિયા સૌરભને આપતાં તેણે કાફે સેટઅપ કરી આપ્યું હતું. ત્યારબાદ ફેબ્રૂઆરી ૨૦૨૬માં સૌરભ શેરે આ કાફે પર ગયા હતાં. તેણે જણાવ્યું હતું કે, અમે બીજી કંપની પણ ચાલુ કરીએ છીએ, જેમાં દર મહિને ૫૦ હજાર ફિક્સ નફો આપવાનું વિચારી રહ્યા છે. જેથી નિશીત બીજુ કેફે લેવા તૈયાર થયો હતો.

નિશીતે કુલચા ક્રાફ્ટની બે ફ્રેન્ચાઇઝી લેવા કુલ ૧૫ લાખ રૂપિયા સૌરભભાઇ શેરે તથા વૈભવી શેરેને આપ્યા હતાં. કુલચા ક્રાફ્ટ ની એક ફ્રેન્ચાઈઝી માટે નીલકંઠ બિઝનેસ હબમાં શરૂ કરાઇ હતી. જ્યારે બીજી માટે મોટા વરાછા લજામણી ચોકનું લોકેશન પસંદ કરાયું હતું. આ દરમિયાન વર્દીયાન કાફેનો એપ્રિલ મહિનાનો હિસાબ સૌરભે કર્યો ન હતો. નિશીતે સંપર્ક કર્યો તો સૌરભે ઓવર ટ્રાન્ઝેક્શનથી એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયાની વાત કરી વાયદાઓ કર્યા હતાં. બાદમાં સૌરભનો મોબાઇલ સ્વિચ ઓફ થઇ ગયો હતો.

નિશીતે ભરૂચ ખાતે આવેલી ઓફિસે જઈ તપાસ કરી તો તે મળ્યો ન હતો. સૌરભ દ્વારા સંચાલિત કેર એન્ડ ક્યોર હોસ્પિટલ પણ બંધ થઇ ગઇ હતી. ઘરે પણ તે નહીં મળતાં નિશીતે કરેલી તપાસમાં સૌરભભાઇ, તેની પત્ની વૈભવી શેરે તથા તેના મામા ના દીકરા જૈમીન ડોંગરેએ ઘણાં લોકો પાસે લાખો રૂપિયા મેળવી લીધા બાદ કોઈ ફ્રેન્ચાઈઝી ચાલુ નહીં કરી આપી છેતરપીંડી કરી હોવાનું ધ્યાને આવ્યું હતું. આ મામલે તેઓ સામે ભરૂચ ખાતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી જેલભેગા કર્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. જેથી નિશીતે તેની સાથે પણ ભાડુ, પગાર, બીલ અને નફાનાં રૂપિયા તરીકે કુલ ૨૮.૦૮ લાખનું જ્યારે દિલીપ બાબુભાઇ પટેલ સાથે ૧૫ લાખ જ્યારે રાજેશ મણીભાઈ પટેલ અને વિરલ ગીરીશભાઈ પટેલ પાસેથી સાડા સાત-સાડા સાત લાખ મળી કુલ ૫૮,૦૮,૫૪૦નું ચીટિંગ કરાયાની ફરિયાદ ચોકબજાર પોલીસ મથકમાં નોંધાવી હતી.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution