લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, જુન 2026 |
1089
કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે દેશમાં પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ મિશ્રણ કરવાની યોજના એક ચાલુ પ્રયોગ છે, અને આ રાષ્ટ્રીય નીતિની વાસ્તવિક અસરો આગામી વર્ષ સુધીમાં વધુ સ્પષ્ટ થઈ જશે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કર્ણાટક હાઈકોર્ટના એક આદેશને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન એટર્ની જનરલ આર. વેંકટરામણીએ સર્વોચ્ચ અદાલતમાં આ સત્તાવાર રજૂઆત કરી હતી. કર્ણાટક હાઈકોર્ટનો આ આદેશ વર્ષ ૨૦૨૫-૨૬ ના સપ્લાય વર્ષ માટે ઇથેનોલની ફાળવણી સાથે સંબંધિત છે. જે સમગ્ર દેશની મુખ્ય ઇથેનોલ પોલિસીને અસર કરી શકે તેમ છે.દેશભરમાં ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ અંગે ચાલી રહેલી વ્યાપક ચર્ચા અને વાહનપ્રેમીઓની ચિંતાઓ વચ્ચે આ સુનાવણી થઈ છે. વાહનચાલકોનો એક વર્ગ ચિંતિત છે કે પેટ્રોલમાં ઇથેનોલનું વધુ પ્રમાણ જૂના વાહનોના એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે અને તેનાથી ફ્યુઅલ એફિશિયન્સી (માઈલેજ) પણ ઘટી શકે છે. જાે કે, સરકારે આ આશંકાઓને ફગાવતા કોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે ઈ૨૦ પેટ્રોલના કારણે વાહનોને કોઈ યાંત્રિક નુકસાન થયું હોય તેવા કોઈ પુરાવા નથી. આ નીતિ દેશની ઉર્જા સુરક્ષા, પર્યાવરણ અને ખેડૂતોના આર્થિક હિત માટે અત્યંત ફાયદાકારક છે.