નરોડામાં સામાન્ય તકરારમાં પડોશીઓ વચ્ચે લોહિયાળ જંગ, વૃદ્ધ મહિલાને ઈજા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, જુન 2026  |   2772

શહેરના નરોડા વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે સામાન્ય બાબતે તકરાર થવી હવે સામાન્ય બની ગઈ છે, પરંતુ કુશ ઇન્ટરસીટીમાં બાઈક ચાલુ કરવાના મામલે થયેલી લડાઈએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. બાઈકમાંથી નીકળતા ધુમાડાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની રજૂઆત કરવા ગયેલા વૃદ્ધ દંપતી પર પાડોશીએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નરોડા પોલીસ મથકે નોંધાઈ છે. નરોડામાં મુક્તિધામ પાસે આવેલી કુશ ઇન્ટરસીટીમાં રહેતા ૬૯ વર્ષીય ધનલક્ષ્મીબેન પટેલે ફરિયાદ નોંધાવી છે કે ગત ૫ જૂનના રોજ સવારે તેમના પાડોશી જગદીશભાઈ કનુભાઈ સોલંકીએ પોતાનું બાઈક ચાલુ કર્યું હતું. બાઈકનો ધુમાડો ધનલક્ષ્મીબેનના ઘર તરફ આવતો હોવાથી તેમના પતિ કરશનભાઈએ પાડોશીને વિનંતી કરી હતી કે, “તમારા બાઈકમાંથી નીકળતા ધુમાડાના કારણે મને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, તેથી બાઈક થોડું આગળ લો”.આ સાંભળતા જ આરોપી જગદીશભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા હતા. ઉશ્કેરાટમાં આવી તેમણે નજીકમાં પડેલો ટાઈલ્સનો એક ટુકડો ઉપાડ્યો હતો અને કરશનભાઈને મારવા દોડ્યા હતા. આ સમયે પતિને બચાવવા વચ્ચે પડેલા ધનલક્ષ્મીબેનને ડાબા હાથની આંગળીના ટેરવા પર ટાઈલ્સનો ટુકડો વાગતા લોહીલુહાણ ઈજા થઈ હતી. હુમલાખોર પાડોશીએ જતાં-જતાં ધમકી પણ આપી હતી કે, “જાે હવે પછી મારું નામ લેશો તો તમને જાનથી મારી નાખીશ”.બુમાબુમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મામલો શાંત પાડ્યો હતો. આખરે આ મામલે નરોડા પોલીસે જગદીશ સોલંકી વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ ૧૧૫(૨) અને ૩૫૧(૩) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution