બોડેલી નગરપાલિકાની વોર્ડ રચના અને સીમાંકન જાહેર થયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, નવેમ્બર 2025  |   બોડેલી/વડોદરા, ગુજરાત   |   59103

બોડેલી તાલુકામાં રાજકીય ગરમાવો વધી ગયો છે, કારણ કે લાંબા સમયથી પ્રતીક્ષિત બોડેલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે વોર્ડ રચના અને સીમાંકનનો પ્રાથમિક આદેશ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જારી કરી દેવાયો છે. બોડેલી, અલીખેરવા, ચાચક, ઢોકલીયા અને જાખરપુરા જેવી ગ્રામ પંચાયતોને ભેળવીને નવી બોડેલી નગરપાલિકાનું અસ્તિત્વ તૈયાર થયું છે. આ જાહેરાત બાદ ચૂંટણી જાહેર થાય તેની રાજકીય મુરતિયાઓ આતુરતાથી રાહ જોઈને બેઠા છે.

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા પ્રાથમિક માળખા મુજબ, બોડેલી નગરપાલિકામાં કુલ ૭ વોર્ડની રચના કરવામાં આવી છે. પ્રત્યેક વોર્ડમાંથી ૪ કાઉન્સિલરો ચૂંટાશે, એટલે કે નગરપાલિકાના બોર્ડમાં કુલ ૨૮ નગરસેવકો સેવા બજાવશે. આ પરિરૂપ સાથે પ્રત્યેક વોર્ડના સીમાંકનની વિગતો અને અનામત બેઠકોની ફાળવણી અંગેનો પ્રાથમિક આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે, જેના કારણે રાજકીય પક્ષોમાં બેઠકોની ફાળવણી અંગે ગણતરીઓ શરૂ થઈ ગઈ છે.

વોર્ડોની રચના કરવા માટે રાજ્ય ચૂંટણી આયોગે સને ૨૦૧૧ના વસતી ગણતરીના આખરી પ્રસિદ્ધ થયેલા આંકડાઓને ધ્યાનમાં લીધા છે. જાહેરનામાના પ્રમાણે, નગરપાલિકાની કુલ વસતી ૨૮,૩૫૪ ગણવામાં આવી છે. શહેરને ૭ વોર્ડોમાં વહેંચવામાં આવતા, પ્રત્યેક વોર્ડની સરેરાશ વસતી ૪,૦૫૦ ની નક્કી કરવામાં આવી છે. આયોગ દ્વારા વોર્ડોની રચના કરતી વખતે એક મુખ્ય નિયમ એવો રાખવામાં આવ્યો છે કે શક્ય હોય ત્યાં સુધી બધા જ વોર્ડોની વસતી એકસરખી રહે અને સામાન્યતઃ વોર્ડની સરેરાશ વસતીથી કોઈપણ વોર્ડમાં ૧૦ ટકાથી વધુ વધઘટ રહે નહીં. આયોગે તમામ માહિતી એકઠી કરીને ચકાસણી કરી છે અને જણાવ્યું છે કે હાલના સીમાંકનમાં કોઈ વોર્ડમાં વસતી ૧૦% ની મર્યાદાથી વધુ ઘટતી કે વધતી નથી.

વોર્ડોની સીમા નક્કી કરતી વખતે ભૌગોલિક એકજૂટતા, નદી, રેલ્વેલાઈન, રોડલાઈન જેવા પરિબળોનું બિનજરૂરી વિભાજન ન થાય અને તમામ રીતે એકસરખા વોર્ડ બની રહે તે બાબતને ધ્યાનમાં રાખવામાં આવી છે.

દરેક વોર્ડમાં ચૂંટવાપાત્ર ચાર કાઉન્સિલરોમાંથી, અમુક બેઠકો (અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ અને પછાતવર્ગની સ્ત્રી બેઠકો સહિત) માટે અનામત રાખવામાં આવશે. જ્યારે બાકીની બે બેઠકો સરકારના જાહેરનામા મુજબ જરૂરિયાત પ્રમાણે અનુસૂચિત જાતિ/આદિજાતિ, પછાતવર્ગ અથવા બિન-અનામત કરવાની રહે છે.

અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત આદિજાતિ (ST)ની બેઠકોની ફાળવણી એવા વોર્ડોમાં કરવામાં આવે છે, જ્યાં આ વર્ગની વસતીની ટકાવારી વધુ હોય. આયોગે નિર્ધારિત કરેલા નિયમો, ૧૯૮૮ના નિયમ-૫ (ક) હેઠળ, અનુસૂચિત જાતિની બેઠક જે તે વોર્ડની કુલ વસતીમાં SC/STની ઊંચી ટકાવારી હોય તેવા વોર્ડોમાં ઉતરતા ક્રમે ફાળવવામાં આવે છે. જાહેરનામાના અન્વયે બોડેલી નગરપાલિકામાં અનુસૂચિત જાતિ (SC) માટે કુલ ૧ (એક) બેઠક (SC વર્ગની સ્ત્રી બેઠક સહિત) અનામત રાખવાનું નિર્ધારિત થયેલું છે.

હવે રાજકીય પક્ષો અને ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો આ વોર્ડ સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણીનો અભ્યાસ કરીને પોતાની રણનીતિ તૈયાર કરવામાં જોતરાઈ ગયા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution