લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, જુલાઈ 2026 |
2376
દેશની નામાંકિત મેડિકલ કોલેજાેમાં એડમિશન મેળવવા માટે લેવાયેલી NEET(UG) પરીક્ષાના પેપર લીક મામલે સીબીઆઈ દ્વારા એક ખાસ કોર્ટમાં કેટલાક અત્યંત ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. સીબીઆઈએ કોર્ટ સમક્ષ રજૂ કરેલા પુરાવાઓમાં સ્પષ્ટ કર્યું છે કે આ આખીયે સરકારી પરીક્ષાના કૌભાંડ પાછળ એનટીએની સરકારી પેનલના સભ્યો અને ખાનગી કોચિંગ સેન્ટરોના સંચાલકો વચ્ચે બહુ મોટી મિલીભગત અને સાંઠગાંઠ ચાલતી હતી. સીબીઆઈએ કોર્ટમાં આરોપી કોચિંગ સંચાલક શિવરાજ રઘુનાથ મોટેગાવકરની જામીન અરજીનો વિરોધ કરતા જણાવ્યું કે, તેણે કેમેસ્ટ્રી વિષયના પ્રશ્નો પરીક્ષા પહેલાં જ મેળવી લેવા માટે રૂ.૫ લાખની મોટી રકમ ચૂકવી હતી. આ પ્રશ્નો નેશનલ ટેસ્ટિંગ એજન્સીના તે નિષ્ણાત પેનલ મેમ્બર પી.વી. કુલકર્ણી પાસેથી મેળવવામાં આવ્યા હતા, જે પોતે જ આ પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયામાં સામેલ હતા. આ કેસના મુખ્ય આરોપી મોટેગાવકરનો દીકરો કુલકર્ણીના જ કેમેસ્ટ્રી ટ્યુટોરિયલ ક્લાસીસમાં ભણતો હતો. આ ક્લાસ દરમિયાન જ પરીક્ષાના અત્યંત ગુપ્ત પ્રશ્નો લીક કરીને મોટેગાવકર સુધી પહોંચાડાયા હતા. આ પ્રશ્નો હાથમાં આવ્યા બાદ મોટેગાવકરે લખીને અલગથી નોટ્સ તૈયાર કરી હતી. આરોપી મોટેગાવકરના ફોનમાંથી મહત્ત્વના ડિજિટલ પુરાવા મળ્યા છે. ફોનમાંથી કુલ ૩૬ ફોટો મળ્યાં છે, જેમાં હાથેથી લખેલા કેમેસ્ટ્રીના ૧૩૨ પ્રશ્નો હતા. તપાસમાં બહાર આવ્યું છે કે આમાંથી ૧૧૧ પ્રશ્નો NEET (UG) માટે તૈયાર કરવામાં આવેલા માસ્ટર પ્રશ્નપત્ર સેટ સાથે હૂબહૂ મેચ થતા હતા.