લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, જુલાઈ 2026 |
2376
સુરત ગ્રામ્યના કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે સરકારી નાણાંની ઉચાપત અને છેતરપિંડીનું એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. વાહન ચેકિંગ દરમિયાન જપ્ત કરાયેલા વાહનોને મુક્ત કરાવવાના બહાને સુરત આર.ટી.ઓ.નાં નામે નકલી દંડની રસીદો બનાવતું એક મોટું નેટવર્ક ઝડપાયું છે. આ સમગ્ર મામલે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકના પી.આઈ. વી.એ. દેસાઈનાં માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ મહિપાલ વસાવા દ્વારા ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ કૌભાંડ છેલ્લાં આશરે બે વર્ષથી ચાલી રહ્યું હતું. મોટર વાહન અધિનિયમની કલમ હેઠળ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં જમા થયેલા વાહનોને છોડાવવા માટે રજૂ કરાયેલી રસીદો પરના ક્યૂઆર કોડ સ્કેન કરવામાં આવ્યા હતા. આ સ્કેનિંગ દરમિયાન કોઈપણ પ્રકારની ડિજિટલ રસીદ ન ખુલતા પોલીસને શંકા ગઈ હતી. ત્યારબાદ જ્યારે આર.ટી.ઓ. કચેરીના સત્તાવાર રેકોર્ડ સાથે તેની ખરાઈ કરવામાં આવી, ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, વાહન માલિકો પાસેથી ઉઘરાવવામાં આવેલો એક પણ રૂપિયો સરકારી ખાતામાં જમા થયો ન હતો અને આ તમામ રસીદો નકલી હતી.
આ ગુનામાં સુરતના ત્રણ મુખ્ય એજન્ટો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં મોહસીન રેડીમની (રહે. લિંબાયત), અકબર શેખ (રહે. લિંબાયત) અને સુનીલ શર્મા (રહે. અમરોલી) નો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓએ વાહન માલિકોનો સંપર્ક કરી આર.ટી.ઓ. કચેરીમાં સેટિંગ કરાવી આપવાની ખાતરી આપી હતી. તેમણે કુલ ૬૦ જેટલા વાહનોના કિસ્સામાં વાહન માલિકો પાસેથી રૂ. ૫,૧૮,૫૦૦ મેળવી લીધા હતા. ત્યારબાદ સુરત આર.ટી.ઓ. કચેરીના અધિકારીઓ તેમજ કર્મચારીઓના નામના બોગસ સહી-સિક્કા લગાડી નકલી રસીદો તૈયાર કરી આપી હતી.ભોગ બનનાર વાહન માલિકોની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેઓ દસ્તાન રેસિડેન્સીમાં રહેતા દિનેશ પાંડે નામના મધ્યસ્થી મારફતે આ એજન્ટોના સંપર્કમાં આવ્યા હતા. આરોપીઓએ સરકારી દંડની રકમ પોતાની પાસે રાખી લઈ વાહન માલિકો સાથે વિશ્વાસઘાત કર્યો હતો અને આ નકલી રસીદોનો સાચા તરીકે ઉપયોગ કરી કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાંથી વાહનો પણ છોડાવી લીધા હતા.