લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, જુન 2026 |
1980
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ કર્યો, જેમાં રાજ્યના ૦ થી ૫ વર્ષના ૮૩.૪૯ લાખ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવાની ઝુંબેશ હાથ ધરાઈ છે.આ અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગે ૩૨,૯૯૭ પોલિયો બુથની વ્યવસ્થા કરી છે અને ૬,૫૯૯ સુપરવાઇઝર્સના માર્ગદર્શન હેઠળ ૬૫,૯૯૪ આરોગ્ય ટીમો બાળકોને ટીપાં પીવડાવશે. ૨૮ જૂનના રવિવારને પોલિયો રવિવાર તરીકે ઉજવવામાં આવ્યો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે બાળકોને પોલિયો રસીના ટીપાં પીવડાવી અભિયાનની શરુઆત કરી હતી.આ પ્રસંગે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે, આરોગ્ય અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો, આરોગ્ય કમિશનર ડો. રતનકવર ગઢવી તેમજ ભૂલકાઓના માતા-પિતા અને આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે ૨૯ અને ૩૦ જૂનના દિવસોમાં આરોગ્ય કર્મીઓ હાઉસ ટુ હાઉસ જઈને ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોના ટીપાં પીવડાવશે. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર બાળ લકવા નાબૂદી અભિયાન હેઠળ દરેક બાળકને રસીના ટીપાં આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.