લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, જુલાઈ 2026 |
1881
મિડલ ઈસ્ટમાં ફરી એકવાર તણાવ વધ્યો છે. યમનની રાજધાની સનાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક મિસાઈલ હુમલાના દાવાઓ બાદ સમગ્ર વિસ્તારમાં ચિંતા વધી છે. સ્થાનિક અહેવાલો અનુસાર, ઈરાનથી આવતું એક મુસાફર વિમાન સના એરપોર્ટ પર ઉતરવાની તૈયારીમાં હતું ત્યારે એરપોર્ટના રનવેને નિશાન બનાવી હુમલો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જાેકે, આ ઘટનાની સ્વતંત્ર અને સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હુમલા બાદ એરપોર્ટ પર ધડાકા સંભળાયા હતા અને રનવે વિસ્તારમાં ધુમાડો જાેવા મળ્યો હતો. સુરક્ષા કારણોસર એરપોર્ટ પર વિમાનોની અવરજવર થોડા સમય માટે અસરગ્રસ્ત થઈ હતી. કેટલાક અહેવાલોમાં જણાવાયું છે કે સંબંધિત વિમાનને વૈકલ્પિક એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું હતું, જાેકે અધિકૃત સ્તરે તેની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી નથી. ઘટના બાદ હૂતી સંગઠને સાઉદી અરેબિયા પર એરપોર્ટને નિશાન બનાવી હવાઈ હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. હૂતી પ્રવક્તાઓએ આ ઘટનાને ગંભીર ગણાવી ભવિષ્યમાં જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. બીજી તરફ, સાઉદી સમર્થિત યમન સરકાર સાથે સંકળાયેલા અધિકારીઓએ અલગ દાવો કરતા જણાવ્યું છે કે કાર્યવાહી સુરક્ષા કારણોસર કરવામાં આવી હતી અને વિમાન અંગે પણ અલગ માહિતી રજૂ કરી છે.