લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, જુન 2026 |
1881
ગાંધીનગરના સેક્ટર-૧માં આવેલા ગાયત્રી મંદિર પાસે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ઓફિસર્સ મેસમાં રવિવારે સવારે ૪૩ વર્ષીય કોસ્ટ ગાર્ડે અગમ્ય કારણોસર રાઈફલ વડે પોતાને ગોળી મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ગોળીબારનો અવાજ સાંભળીને આસપાસના સ્ટાફ અને સુરક્ષાકર્મીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. લોહીલુહાણ હાલતમાં જવાનને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે તેમને અમદાવાદની કે.ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર આત્મહત્યાનો પ્રયાસ કરનાર જવાનની ઓળખ ૪૩ વર્ષીય હસમુખભાઈ ચતુરભાઈ પ્રજાપતિ તરીકે થઈ છે.જેઓ ગાંધીનગર નજીક આવેલા લેકાવાડા ગામના વતની છે. હસમુખભાઈ સેક્ટર-૧ ગાયત્રી મંદિર પાસે આવેલી કોસ્ટ ગાર્ડની ઓફિસ ખાતે સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત હતા. રવિવારે સવારે તેઓ પોતાની ફરજ પર હાજર હતા.તે દરમિયાન આ ઘટના ઘટી છે. તેમનું પોસ્ટિંગ લેકાવાડા કોસ્ટ ગાર્ડ ખાતે હતું અને મેસમાં નાસ્તો કરવા આવ્યા હતા. કોસ્ટ ગાર્ડ જેવી સંવેદનશીલ સરકારી ઓફિસના મેસમાં જવાને ફાયરિંગ કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી અને એફએસએલની ટીમને બોલાવી હતી. એફએસએલ ટીમ દ્વારા ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા અને લોહીના નમૂનાઓ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જવાન હસમુખભાઈના પરિવારજનોને ઘટનાની જાણ કરી દેવામાં આવી છે.