તીર્થભૂમિ એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાંથી નગ્ન અને ગંભીર હાલતમાં મળી આવેલા કોલેજિયનનું મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, ઓક્ટોબર 2026  |   3069

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્કૂલ પાછળના તિર્થભૂમિ એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાંથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને નગ્ન અવસ્થામાં મળી આવેલા ૨૧ વર્ષીય વિદ્યાર્થીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૂળ ભાવનગરના અને ગોતા સ્થિત સિલ્વર ઓક કોલેજમાં બી.વોક ફાયનાન્સનો અભ્યાસ કરતા જીગર શૈલેષભાઈ સોલંકી નામના યુવકને અજાણ્યા શખ્સોએ બોથડ પદાર્થ વડે ઢોર માર મારી ફેંકી દીધો હતો. આ બનાવ અંગે મૃતકના મામાએ નોંધાવેલી ફરિયાદના આધારે ઇસનપુર પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ ભાવનગરનો વતની જીગર સોલંકી છેલ્લા દોઢ વર્ષથી ગોતા સિલ્વર ઓક કોલેજમાં અભ્યાસ કરતો હતો અને છેલ્લા અઢી મહિનાથી ઇસનપુરમાં રહેતા તેના મામા હર્ષિત ચૌહાણ (ઉં.વ. ૪૪), જેઓ વ્યવસાયે વકીલ છે, તેમની સાથે રહેતો હતો. ગત બીજી ઓક્ટોબરના રોજ જીગર મિત્રોને મળવા બાઇક લઈને ઘરેથી નીકળ્યો હતો. દરમિયાન સાંજના સમયે હર્ષિતભાઈ જયમાલા નજીક મિત્રો સાથે બેઠા હતા ત્યારે એક સંબંધીનો ફોન આવ્યો હતો અને તેમણે જીગર સાથે કોઈ અણબનાવ બન્યો હોવાની જાણ કરી હતી.આથી હર્ષિતભાઈએ તુરંત જ જીગરના મોબાઈલ નંબર પર ફોન કર્યો હતો. જીગરનો ફોન કોઈ અજાણી વ્યક્તિએ રિસીવ કર્યો હતો અને જણાવ્યું હતું કે જીગર સરદાર પટેલ સ્કૂલ પાછળ તીર્થભૂમિ એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાં નગ્ન હાલતમાં પડ્યો છે અને તેને કોઈએ સખત માર માર્યો છે. આ સમાચાર મળતાં જ હર્ષિતભાઈ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા, જ્યાં જીગર શરીરના વિવિધ ભાગોએ બોથડ પદાર્થના ઘા સાથે ગંભીર અવસ્થામાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું કરૂણ મોત નીપજ્યું હતું. ઇસનપુર પોલીસે સીસીટીવી ફૂટેજ અને ડોગ સ્ક્વોડના આધારે અજાણ્યા હત્યારાઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution