લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, જુન 2026 |
3366
ભાવનગર સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં ઓર્થોપેડિક વિભાગ સાથે સંકળાયેલી રેગીંગની ઘટના સામે આવી છે, જેના પગલે રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લીધા છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ સંબંધિત સત્તાધિકારીઓને સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ માટે સૂચના આપી છે.આ ઘટનામાં ઓર્થોપેડિક વિભાગના બીજા વર્ષના ૬ વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના ૧૩ વિદ્યાર્થીઓ સાથે રેગીંગ કરી હોવાના આક્ષેપો નોંધાયા છે. રાજ્ય સરકારે આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસ શરૂ કરાવી છે.
મેડિકલ કોલેજના ડીન અને એન્ટી-રેગીંગ કમિટીને સમગ્ર હકીકતની વિગતો સરકાર સમક્ષ રજૂ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓની સુરક્ષા, માન-મર્યાદા અને શૈક્ષણિક હિતોના રક્ષણ માટે સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. આરોગ્ય રાજ્યમંત્રીએ જણાવ્યું છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં ભયમુક્ત, સુરક્ષિત અને સંસ્કારપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે રેગીંગ જેવી અમાનવીય, અસંવેદનશીલ અને અસ્વીકાર્ય પ્રવૃત્તિઓ માટે રાજ્યમાં કોઈ સ્થાન નથી. તપાસમાં જે કોઈ દોષિત જણાશે તેમની સામે કાયદાકીય જાેગવાઈઓ મુજબ કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રેગીંગ જેવી પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ છે. તાત્કાલિક તપાસના આદેશ બાદ મેડિકલ કોલેજના પ્રશાસન અને એન્ટી-રેગીંગ કમિટીએ કાર્યવાહી શરૂ કરી છે. વિદ્યાર્થીઓના હિત અને સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. આ પ્રકારની ઘટનાઓને દાબી ન શકાય અને દરેક ફરિયાદની તથ્યાધારિત તપાસ કરાશે તેવો સરકારનો દૃઢ નિર્ધાર છે. હાલમાં તપાસ ચાલી રહી છે અને તપાસનો વિગતવાર અહેવાલ સરકાર સમક્ષ રજૂ કરાશે. રાજ્ય સરકાર દ્વારા દોષિતો સામે કડક પગલાં લેવામાં આવશે.
વિદ્યાર્થીઓ રેગીંગ જેવા દૂષણથી દૂર રહે તે જરૂરી: આરોગ્ય મંત્રી
અમદાવાદની બી જે મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાને પગલે ઓર્થોપેડિક વિભાગના ત્રણ વિદ્યાર્થીઓને ૬ મહિનાથી ૧ વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું છે. એન્ટી રેગિંગ કમિટીની તપાસ બાદ આ પગલાં લેવામાં આવ્યા છે.આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે રેગિંગની ફરિયાદને સરકાર અને આરોગ્ય વિભાગે અત્યંત ગંભીરતાથી લીધી છે. વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત અને ભયમુક્ત શૈક્ષણિક વાતાવરણ જાળવવાનો અમારો સંકલ્પ છે પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું. તેમણે વધુમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓએ રેગિંગ જેવી અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રહેવું જાેઈએ.એન્ટી રેગિંગ કમિટીએ સમગ્ર મામલે વિગતવાર તપાસ કરી હતી. તપાસના આધારે ઓર્થોપેડિક વિભાગના ત્રણ વિદ્યાર્થીઓ સામે ૬ મહિનાથી ૧ વર્ષ સુધીની સસ્પેન્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં આવી કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ સામે કડક પગલાં લેવામાં આવશે.